કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ દિવાળી જેવા તહેવારો ટાણે નશાખોરીના કારોબાર અને પ્રવૃત્તિમાં પણ ઉછાળો આવતો હોય છે. બાતમીના આધારે પોલીસે અંજારના વરસામેડી બસ સ્ટોપ પર મધરાત્રે પોણા બે વાગ્યે ત્રાટકીને પંજાબી યુવકને ૫ લાખ ૫ હજારની કિંમતના ૧૦.૧૦ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યો છે. વરસામેડી ઝૂંપડપટ્ટીમાં રહેતો પ્રભજીતસિંઘ મજબી (રહે. મૂળ અમૃતસર, પંજાબ) ડ્રગ પેડલર હોવાની એસઓજીને બાતમી મળી હતી. હેરોઈન સાથે તે વરસામેડીના બસ સ્ટોપ પર ઊભો હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં ધસી જઈ તેને દબોચી લીધો હતો. તેના કબજામાંથી હેરોઈન ઉપરાંત ૧૧૦૦ રૂપિયા રોકડાં, ૧૫ ઓક્ટોબરની તારીખની ફિરોઝપુરથી પાલનપુર ટ્રેનની ટિકિટ, મીની વજનકાંટો વગેરે મુદ્દામાલ મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ હેરોઈન પંજાબના લખબીરસિંઘ મજબી પાસેથી મેળવ્યું હોવાનું કબૂલતા બેઉ સામે અંજાર પોલીસ મથકે એનડીપીએસની ધારા તળે ફરિયાદ નોંધાવાઈ છે.
Share it on
|