કચ્છખબરડૉટકોમ, રાપરઃ સાયબર માફિયાઓએ રાપરના વેપારીને ટાર્ગેટ કરીને મુંબઈ પોલીસના નામે ડરાવી ધમકાવી ૧૫ લાખ રૂપિયા ખંખેરી લીધાં છે. પોલીસે બે અજાણ્યા મોબાઈલ નંબરધારક વિરુધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. રાપરની અયોધ્યાપુરીમાં રહેતા ૪૦ વર્ષિય વિપુલ દેવજીભાઈ માલીએ પોલીસને જણાવ્યું કે તે રાપરમાં ઈલેક્ટ્રિક ચીજવસ્તુની દુકાન ધરાવે છે. ૯મી નવેમ્બરે ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી રોહિત શર્મા નામના શખ્સનો ફોન આવેલો. શર્માએ વિપુલના નામે એક્ટિવ થયેલાં સીમકાર્ડ પરથી પોર્ન વીડિયો અને મેસેજ અપલોડ થયો હોવાનું જણાવી તે મામલે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવાની જાણ કરી હતી.
થોડીકવાર બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાંથી અજાણ્યા પોલીસ અધિકારીનો ફોન આવેલો .
કહેવાતા પોલીસ અધિકારીએ ફરિયાદીના વોટસએપ પર એફઆઈઆરની પીડીએફ નકલ મોકલવાની તૈયારી દર્શાવીને, તમારા આધારકાર્ડના નંબર પરથી કેનેરા બેન્કમાં ખાતું ખુલ્યું હોવાનું અને મોટી નાણાંકીય લેવડદવડ બદલ મની લોન્ડરીંગ તળે ગુનો દાખલ થયો હોવાનું જણાવેલું. કહેવાતા અધિકારીએ ફોન પર પોલીસ સ્ટેશન બતાવીને બે દિવસ સુધી ઈન્વેસ્ટીગેશન કરવું પડશે તેમ કહેલું. એટલું જ નહીં, ફરિયાદીના નામનું કેનેરા બેન્કનું ડેબિટ કાર્ડ અને બેન્ક સ્ટેટમેન્ટ મોકલેલું.
ફરિયાદી સતત એક જ રટણ કરતો રહ્યો હતો કે તેના નામે એક જ સીમકાર્ડ એક્ટિવ છે અને કેનેરામાં બેન્કમાં તેનું કોઈ ખાતું નથી.
સાયબર માફિયાઓએ ફરિયાદીના બેન્ક ખાતાંની વિગતો મેળવીને ૧૫ લાખ જમા કરાવવા અને તપાસ પૂરી થયે આરબીઆઈ નાણાં પરત કરી દેશે કહી RTGSથી તેમણે જણાવેલાં ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. ફરિયાદીને વિશ્વાસ બેસે તે માટે નાણાં જમા થયા અંગેની ઈડીની પહોંચની વોટસએપ પર કોપી મોકલેલી. ૧૫ લાખ જમા કરાવ્યા બાદ પણ સતત ફોન ચાલું રહેલાં અને વધુ નાણાં જમા કરાવવા માંગણી થતાં ફરિયાદીએ પાર્ટનર અને પુત્રને બનાવ અંગે જાણ કરતાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો.
Share it on
|