કચ્છખબરડૉટકોમ, રાપરઃ વાગડમાં ખનીજ માફિયા ફાટીને ધુમાડે ગયાં છે, પોલીસ કે ખાણ ખનીજ તંત્રની તેમને જરાય બીક નથી આ બાબતનો પુરાવો આપતી વધુ એક ઘટના ચિત્રોડ ગામે બની છે. ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ ખાતાની ટીમ પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી છે. ગુરુવારે સાંજે સાડા પાંચ છના અરસામાં ચિત્રોડ ગામની અંદર મોબાઈલ ટાવર પાસે બનાવ બન્યો હતો. અંજાર ખાણ ખનીજ કચેરીમાં માઈન્સ સુપરવાઈઝર તરીકે કામ કરતા ગૌરાંગ પરમાર અને મેરામણ ગોજીયા સહાયક સ્ટાફ સાથે રૂટિન પેટ્રોલીંગ કરતા હતા. તે સમયે ચિત્રોડ ગામમાં ચાયના ક્લે ભરેલાં ત્રણ ડમ્પરો પર તેમની નજર પડી હતી. આ ડમ્પરોને સીઝ કરવા કાર્યવાહી હાથ ધરતાં આઈ ટ્વેન્ટી કારમાંથી પ્રવિણ કરસન કોલી અને તેનો દીકરો (રહે. બંને ભચાઉ) બહાર આવેલાં. પ્રવિણે રોયલ્ટી અંગેના આધાર પુરાવા આપવાના બદલે દાદાગીરી કરવાનું શરૂ કરીને ડમ્પરના ડ્રાઈવર મોહનને ગાડી લઈને ભાગી જવાનું કહી જણાવ્યું હતું કે ‘રસ્તામાં તને કોઈ રોકે તો હું તેમને જોઈ લઈશ’
ઉશ્કેરાયેલાં પ્રવિણ અને તેના પુત્રે બંને સુપરવાઈઝરોને મુક્કા લાતોથી મારવાનું શરૂ કરી નીચે પડેલાં પથ્થરોના છૂટ્ટાં ઘા કર્યા હતા. થોડીકવાર બાદ વર્ના કાર અને કિયા કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ પોતાને પ્રવિણના સગાં ગણાવીને ખનીજ ખાતાની ટીમને ગાળો ભાંડી ધમકી આપેલી કે ‘જો રોડ પર ડમ્પર ઊભું રખાવ્યું તો તમારી ઉપર ડમ્પર ચઢાવી દઈશું’
મારકૂટ અને ધાક ધમકી બાદ બધા ત્યાંથી જતા રહેલાં. ખનીજ તંત્રની ટીમે બાકીના બે ડમ્પરોને ઓનલાઈન મેમો ફટકારીને દંડ વસૂલ કર્યા બાદ ગાગોદર પોલીસ મથકે પાંચેય લોકો સામે ફરજમાં રૂકાવટ, ધાક ધમકી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|