|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ અમદાવાદની ‘લૂટેરી દુલ્હન’ ગેંગે રાપરના પ્રાગપર ગામના યુવકને લગ્નના નામે ૨.૫૩ લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે ચઢ્યો છે. રાપર પોલીસે ત્રણ મહિલા સહિત ૮ જણની ટોળકી સામે લગ્ન કરાવવાના નામે કાવતરું રચીને વિશ્વાસઘાત ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધી છે. પ્રાગપરના ૩૦ વર્ષિય મુકેશ ધનજીભાઈ ચૌધરી નામના યુવકનું ક્યાંય ‘ગોઠવાતું’ નહોતું. જેથી તેણે કાનપર ગામે રહેતા પોતાના પરિચિત ધનજીભાઈ મુળજીભાઈ પટેલને સારી છોકરી હોય તો લગ્ન કરાવી આપવા વાત કરેલી. ધનજીએ અમદાવાદ રહેતો પોતાનો સાળો નિમિષ મહેશભાઈ શિકરી ચોકઠાં ગોઠવી આપતો હોવાનું કહીને મુકેશને નિમિષનો મોબાઈલ નંબર આપેલો.
૩.૫૦ લાખમાં લગ્નનો સોદો નક્કી થયેલો
નિમિષે મુકેશને કહેલું કે તેનો મિત્ર કિરણ ઝાલા અમદાવાદમાં ‘શ્રી ગણેશ મેરેજ બ્યૂરૉ’ ચલાવે છે. તેની પાસે એક સારી અને સંસ્કારી છોકરી છે. કિરણ ઝાલા સાથે વાત કર્યા બાદ નિમિષે મુકેશને મનોજ જેન્તીભાઈ ચુનારાનો મોબાઈલ નંબર આપીને વાત કરવા કહેલું. મનોજનો સંપર્ક કરતાં તેણે મુકેશના મોબાઈલ પર રેશ્મા નામની છોકરીનો ફોટો મોકલી આપેલો. મુકેશે રેશ્મા જોડે લગ્ન કરવા માટે હા પાડતાં મનોજે ૩.૫૦ લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવેલું. મુકેશે લગ્ન થઈ ગયાં બાદ નાણાં આપવાનું જણાવેલું.
ઘડિયા લગ્ન લેવાયાં ને બીજા જ દિવસે દુલ્હનની વિદાય
૦૨-૦૩-૨૦૨૬ના રાત્રે સાડા આઠ વાગ્યે મુકેશના ઘેર અમદાવાદથી રેશ્માને લઈને મનોજ ચુનારા, કિરણ ઝાલા, સચિન સંતોષ ઠાકુર, સચિનની પત્ની પૂજા, સરોજબેન, ધનજી પટેલ, નિમિષ શિકરી રૂબરૂ આવેલાં. સૌની હાજરીમાં ઘરમાં એકમેકને ફૂલહાર પહેરાવીને રેશ્મા અને મુકેશના ‘ઘડિયા લગ્ન’ લેવાયેલાં. લગ્ન બાદ ૩.૫૦ લાખ રૂપિયા લઈને આ ગેંગ રેશ્માને ત્યાં રાખીને અમદાવાદ પરત જવા નીકળી ગયેલી.
ગેંગ નીકળી ગયા બાદ રેશ્માએ પોતે બીમાર હોવાનું કહીને રડવાનું નાટક શરૂ કરી દીધેલું. મુકેશે બીજા દિવસે પૂજા ઠાકુરને ફોન કરી વાત કરતાં તેણે રેશ્માને અમદાવાદ પાછી મૂકી જઈને પૈસા પરત લઈ જવાનું કહેલું.
મુકેશ તેના મિત્ર અને ધનજીભાઈ જોડે તે જ દિવસે અમદાવાદ જઈ રેશ્માને નરોડામાં પૂજાના ઘેર મૂકી આવેલો. પૂજાએ બે ત્રણ દિવસમાં રૂપિયા પાછાં આપવાનું કહેતા ત્રણે જણ પરત રાપર આવવા નીકળી ગયેલાં.
૬ઠ્ઠી માર્ચે પૂજાએ ગૂગલ પેથી મુકેશને ૯૬ હજાર ૫૦૦ રૂપિયા પરત મોકલાવીને બાકીના અઢી લાખ રૂપિયા સગવડ થયે પાછાં મોકલવાનો વાયદો આપેલો.
ત્યારબાદ આરોપીઓ નાણાં પરત આપવાના નામે બહાના કરતાં રહ્યાં હતા અને પછી મુકેશનો ફોન ઉપાડવાનો પણ બંધ કરી દીધેલું.
Share it on
|