|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મોબાઈલ ફોન પર ના OTP આવ્યો, ના કોઈની જોડે બેન્ક ખાતા અંગે કદી કોઈ જ વિગતો શૅર કરેલી. ના ફોન હૅક થયેલો કે ના કદી કોઈ શંકાસ્પદ લિન્કને ઓપન કરેલી. છતાં બેન્ક ખાતામાંથી ૯.૨૪ લાખ રૂપિયા ઉપડી ગયાં. નાણાંના ટ્રાન્ઝેક્શન અંગેનો મેસેજ ફોનમાં આવ્યો ત્યારે ખબર પડી કે સાયબર ફ્રોડ થઈ ગયું છે!
કચ્છમાં બેન્ક ખાતાધારકની જાણબહાર બારોબાર ખાતામાંથી રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ જવાના સાયબર સ્કેમના બનાવો વધી રહ્યાં છે.
માંડવીના પદમપર ગામે રહેતા હિરાલાલ હંસરાજભાઈ પટેલ આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે.
૧૧ માસ અગાઉ ૧૧-૦૯-૨૦૨૫ના રોજ હિરાલાલ ગઢશીશામાં આવેલી તેમની ટ્રેક્ટર પાર્ટ્સની દુકાને બેઠાં હતા ત્યારે અચાનક મોબાઈલ પર તેમના HDFC બેન્ક ખાતામાંથી પાંચ લાખ રૂપિયા અન્ય બેન્ક ખાતામાં ટ્રાન્સફર થયાં હોવાનો મેસેજ આવેલો. મેસેજ વાંચીને તે ભડકેલાં. થોડીકવાર બાદ હિરાલાલના પત્નીના HDFC બેન્ક ખાતામાંથી પણ આ જ રીતે ૪.૨૪ લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોવાનો મેસેજ આવેલો.
તેમણે તુરંત બેન્કના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને બંને બેન્ક ખાતાં ફ્રીઝ કરાવી દઈને સાયબર ફ્રોડ અંગેની હેલ્પલાઈન ૧૯૩૦ પર ફોન કરીને ફરિયાદ કરેલી.
ઘટના બાદ સામાજિક કારણોસર મુંબઈ જતા રહ્યાં હોઈ ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું જણાવ્યું છે. ભુજના બોર્ડર રેન્જ સાયબર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
Share it on
|