કચ્છખબરડૉટકોમ, રાપરઃ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ બેધારી તલવાર જેવું છે. તેનો ઉપયોગ કેવી રીતે અને કયા હેતુથી થાય છે તેના પર બધું નિર્ભર છે. ગાગોદર પોલીસે ઈન્સ્ટાગ્રામની રીલના આધારે ૨૦ દિવસથી લાપત્તા ૧૩ વર્ષના બાળકને શોધી કાઢ્યો છે. રાપર તાલુકાના ગાગોદર નજીક આવેલી રાયમલવાંઢમાં રહેતા ઈશ્વરભાઈ કોલીએ ચાર દિવસ અગાઉ ૧૭ ઓક્ટોબરે પોલીસ મથકે આવીને ફરિયાદ નોંધાવી હતી કે તેમનો ૧૩ વર્ષ ૪ મહિનાનો દીકરો અને ૧૮ વર્ષનો તુલસી બેઉ ૧ ઓક્ટોબરથી લાપત્તા છે. ઈશ્વરે જણાવ્યું કે તેમનો પુત્ર બીમાર હતો. તેને સરકારી દવાખાને લઈ જઈ દવા ગોળી લીધાં હતાં. ઘરે પરત ફરતી વખતે હાઈવે પર આવેલી મિત્રની ચાની હોટેલમાં પુત્રને બેસાડીને પોતે ખેતરે મજૂરી કરવા ગયેલો. થોડીકવાર બાદ હોટેલ પર ગામનો તુલસી કોલી નામનો છોકરો આવેલો. તુલસી તેમના પુત્રને હોટેલથી લઈ નીકળી ગયેલો. બસ, ત્યારથી બેઉનો કોઈ અતોપત્તો નથી.
ઈન્સ્ટા પરની રીલથી પોલીસને પહેલી લીડ મળી
પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ સૌપ્રથમ હોટેલ પર તપાસ કરી તો ત્યાં કામ કરતાં એક છોકરાએ પોલીસને જણાવ્યું કે બેઉ જણને ગાંધીધામ તરફના વાહનમાં બેસીને જતાં જોયા હતાં.
લાપત્તા બાળક મોબાઈલ ફોન વાપરતો હતો. પરંતુ, તેના મોબાઈલનો નંબર અભણ પિતાને યાદ નહોતો.
તપાસમાં સ્પષ્ટ થયું કે કિશોર ઈન્સ્ટાગ્રામનો પણ ઉપયોગ કરે છે અને અવારનવાર તેમાં રીલ્સ બનાવીને અપલોડ કર્યાં કરે છે. પોલીસે લાપત્તા કિશોરની ઈન્સ્ટાગ્રામ આઈડીને ફૉલો કરી ચેક કરતાં એક રીલ્સ જોવા મળેલી.
રીલ્સમાં કિશોર ત્રણ માળની કોઈ ઈમારતની ઉપર હોવાનું અને નીચે ‘મુકેશ ગેસ્ટહાઉસ’ લખેલું પાટિયું હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે તપાસ કરતાં સ્પષ્ટ થયું કે તુલસી અગાઉ ગાંધીધામની ઈલાઈટ હોટેલમાં નોકરી કરતો હતો અને આ રીલ હોટેલના ત્રીજા માળેથી જ રેકોર્ડ કરાયેલી છે.
પોલીસે ઈલાઈટ હોટેલમાં જઈ તપાસ કરતાં જાણવા મળ્યું કે પહેલી તારીખે તુલસી કિશોરને લઈ હોટેલમાં નોકરી કરવા આવેલો. હોટેલ મેનેજમેન્ટે તુલસીને નોકરીએ રાખેલો પરંતુ કિશોરની વય નાની હોઈ તેને નોકરીએ રાખવાની ના પાડી દીધેલી. તુલસીએ બે દિવસ સુધી હોટેલમાં નોકરી કરેલી અને કિશોરને પોતાની સાથે રૂમમાં રાખ્યો હતો. તુલસી કિશોરને નોકરીએ રખાવવાની લાલચ આપીને પોતાની સાથે લાવ્યો હતો.
બે દિવસ બાદ તુલસી કિશોરને લઈ ટ્રેનમાં બેસી અમદાવાદ નરોડા પાટિયા લઈ ગયો હતો. અહીં એક હોટેલમાં અગાઉ તુલસીએ કામ કરેલું. જો કે, અહીંથી પણ નિરાશા સાંપડતા બેઉ જણ ફરી ગાંધીધામ આવ્યાં હતાં.
બંનેની મૂવમેન્ટને સતત ટ્રેક કરી રહેલી પોલીસે બેઉને ગાંધીધામ બસ સ્ટેશનથી દબોચી લઈ પરત તેમના વાલીઓને સુપરત કરી દીધાં છે. ગાગોદર પીઆઈ વી.એ. શેંગલ અને પોલીસ સ્ટેશનના સ્ટાફે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ ચાર જ દિવસમાં બેઉ લાપત્તા બાળકોને શોધી કાઢ્યાં છે.
Share it on
|