કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ભાગોળે ભારાપર ગામની સીમમાં આવેલી સર્વે નંબર ૩૩૯ પૈકી ૨૧ની વિવાદાસ્પદ જમીન મુદ્દે નવો વળાંક આવ્યો છે. આ જમીન ધરાવનાર બે શખ્સો મૂળથી ખેડૂત ખાતેદાર ના હોવાનું જણાવીને ભુજ મામલતદારે બેઉને ૧૪ લાખ રૂપિયાનો દંડ ફટકારીને જમીન સરકાર દાખલ કરવા હુકમ કર્યો છે. કોંગ્રેસનો લેન્ડગ્રેબિંગ તળે હુકમ ના થતો હોવાનો આરોપ
૩૦મી ઑગસ્ટના રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે આરોપ કર્યો હતો કે ભારાપરની સીમની સર્વે નંબર ૩૩૯ પૈકી ૨૧ની ૧૦ એકર જમીન જંગલ ખાતા હસ્તકની છે. આ જમીન પર ભુજના જગદીશ ઠક્કર નામના શખ્સે ગેરકાયદે દિવાલ ચણીને આંબાની વાડી બનાવી દીધી છે. વર્તમાન બજાર કિંમત મુજબ અંદાજે ત્રણ કરોડના મૂલ્યની આ જમીન પર દબાણ કરનાર જગદીશ ઠક્કર વિરુધ્ધ ભુજના રેન્જ ફોરેસ્ટ ઑફિસરે લેન્ડગ્રેબિંગ તળે ગુનો દાખલ કરવા અરજી કરી છે પરંતુ કલેક્ટર હસ્તકની સમિતિ છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી આ અરજી પર કોઈ નિર્ણય કરતી નથી.
મામલતદારનો જમીન સરકાર દાખલ કરવા હુકમ
કોંગ્રેસના આરોપો વચ્ચે વિવાદાગ્રસ્ત જમીન મુદ્દે ભુજના મામલતદાર એ.એન. શર્માએ સંયુક્ત નામે આ જમીન ધારણકર્તા જગદીશ આણંદજી ઠક્કર અને વિનેશ પ્રેમચંદ શાહને જંત્રીની રકમથી ત્રણગણી રકમ લેખે ૧૪ લાખ રૂપિયાનો દંડ ફટકારીને જમીન સરકાર દાખલ કરવા હુકમ કર્યો છે.
જંગલ ખાતા હસ્તકની જમીન હોવાના અને આરએફઓએ અરજી કરી હોવાના મામલા વચ્ચે મામલતદારનો હુકમ જોતાં અન્ય વિગતો જાણવા મળે છે.
મૂળે આ જમીન સાંથણીમાં દેવા ભોજા હરીજન ધારણ કરતા હોવાનું જણાવાયેલું છે. ફેબ્રુઆરી ૨૦૦૮માં દેવા હરીજને આ જમીન વિક્રમસિંહ જોરાવરસિંહ જાડેજાને વેચાણ કરેલી અને બે માસ બાદ વિક્રમસિંહે આ જમીન જગદીશ ઠક્કર અને વિનેશ શાહને વેચાણ કરેલી.
વિનેશ શાહે ખેડૂત ખાતેદાર તરીકેના આધાર રજૂ ના કરતા નવેમ્બર ૨૦૦૮માં આ જમીનની નોંધ રદ્દ કરવા હુકમ થયેલો. ત્યારબાદ મે ૨૦૧૦માં વિનેશ શાહે શરતચૂક રજિસ્ટર દસ્તાવેજથી જમીનનો પોતાનો પચાસ ટકા હિસ્સો જગદીશ ઠક્કરને તબદીલ કરતા હોવાની નોંધ દાખલ થયેલી.
જગદીશ ઠક્કરે ભચાઉના બંધડીમાં ૨૦૦૧માં દિવંગત માતા મંગળાબેને જમીન ખરીદી હોવાના અને આજે પણ તે જમીન પર તેમનો કબજો ભોગવટો હોવાના આધાર પુરાવાના આધારે પોતે ખેડૂત ખાતેદાર હોવાની રજૂઆત કરેલી.
મામલતદાર શર્માએ ગણોતધારા મુજબ રજિસ્ટર દસ્તાવેજ અંગેની વેચાણ નોંધથી મૂળથી ખેડૂત ખાતેદારનો દરજ્જો મળતો હોવાની કોઈ જોગવાઈ ના હોવાનું જણાવીને વિનેશ શાહે કરેલી જમીન તબદીલીને અમાન્ય ઠેરવી, બેઉને દંડ ફટકાર્યો છે. જગદીશ ઠક્કરને જમીનમાંથી સંક્ષિપ્ત રીતે દૂર કરવા અને જમીન સરકાર દાખલ કરવા હુકમ કર્યો છે.
મામલતદારના હુકમ બાદ જંગલ ખાતાએ કરેલી અરજી મુદ્દે કલેક્ટરની સમિતિ શો હુકમ કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.
Share it on
|