રાપરમાં રાતે ફરતાં ચડ્ડીધારી ચાર ચોરથી લોકોમાં ફેલાયો ફફડાટઃ ત્રણ રહેણાકમાં ચોરી
કચ્છખબરડૉટકોમ, રાપરઃ છેલ્લાં ઘણાં સમયથી તસ્કરોના નિશાને રહેલા રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચડ્ડીધારી ચોર ગેંગ ત્રાટકતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગત મધરાત્રે બેથી ત્રણના અરસામાં આવેલી ચાર ચોરોની ગેંગે ત્રણ બંધ મકાનોમાં ચોરી કરી છે.
Video :
જો કે, મકાનમાલિકો બહારગામ હોઈ તે લોકો રૂબરૂ આવીને ફરિયાદ ના નોંધાવે ત્યાં સુધી ચોરાયેલી ચીજવસ્તુ અને તેના મૂલ્યની ખબર નહીં પડે.
અયોધ્યાપુરીની ગલીઓમાં ફરતાં ચારે ચડ્ડીધારી ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં છે.
રાપરના પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. બુબડીયાએ ત્રણેક બંધ મકાનોના તાળા તૂટ્યા હોવાના બનાવને સમર્થન આપી સીસીટીવીના આધારે આ ચડ્ડીધારી ચોર ગેંગને ધરબોચી લેવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાપર, ફતેહગઢ સલારી તથા વાડી વિસ્તારમાં ચોરીના અવારનવાર બનાવો બન્યાં કરે છે. ત્યારે, પોલીસ કામ ધંધાના બહાને રાપરમાં આવીને યુક્તિપૂર્વક બંધ મકાનોની રેકી કરતાં બારાતુ શખ્સોની સામે તપાસ ઝુંબેશ છેડી રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે. હાલ તો આ સીસીટીવી ફૂટેજના પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.