કચ્છખબરડૉટકોમ, રાપરઃ આઠ દિવસ અગાઉ રાપર તાલુકાના ચિત્રોડમાં શંકાસ્પદ રીતે કોલગેટ બ્રાન્ડની ટૂથપેસ્ટનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર પોલીસે દરોડો પાડેલો. આ અંગે કોલગેટ કંપનીને જાણ કરાયાં બાદ કંપનીએ આઠ દિવસે વિધિવત્ ફરિયાદ નોંધાવી છે. ગત બીજી ઓક્ટોબરે બાતમીના આધારે ગાગોદર પોલીસે ચિત્રોડ ગામે સરકારી હોસ્પિટલ પાસે મુકેશ મણોદરા (પટેલ)ના દસ શટરવાળા શોપીંગ સેન્ટરમાં તપાસ હાથ ધરેલી.
૯.૪૩ લાખનો માલ જપ્ત કરાયેલો
પોલીસે કોલગેટ કંપનીની બ્રાન્ડની ટૂથપેસ્ટના ખાલી અને ભરેલી ટ્યુબો, પેકિંગ માટેનું હિટીંગ મશિન, ખાલી ટ્યુબમાં પેસ્ટ ભરવાનું મશિન, ટ્યુબ પર લગાડવાના લાલ રંગના ઢાંકણા, મોટાં ખોખાં વગેરે મળીને ૯.૪૩ લાખની કિંમતનો માલ સામાન જપ્ત કર્યો હતો. ફેક્ટરીમાં હાજર રાજુ ડાયાભાઈ મકવાણા (રહે. ચિત્રોડ મૂળ રહે. નલિયા ટીંબો, રાપર) અને સુરેશ મહેશભાઈ ઉમટ (રહે. નલિયા ટીંબો) બેઉ ટૂથપેસ્ટના ઉત્પાદન અંગે કશો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
નલિયા ટીંબોના બે શખ્સ સૂત્રધાર
બેઉની પૂછપરછમાં નલિયા ટીંબોના નરપત ઊર્ફે નારુ ડાયાભાઈ મકવાણા અને નટવર અજાભાઈ ગોહિલના સૂત્રધાર તરીકે નામ ખૂલ્યાં હતા. કોલગેટના સત્તાવાર પ્રતિનિધિએ પોલીસને જણાવ્યું કે ચાર શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સાણંદના છારોડી સિવાય બીજે ક્યાંય કંપનીનો મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ આવેલો નથી. આરોપીઓએ કોલગેટ કંપનીના નામનો બારોબાર ઉપયોગ કરી, વેચાણના હેતુથી માનવ શરીરને હાનિકારક ટૂથપેસ્ટનું ઉત્પાદન કરીને કંપની સાથે છેતરપિંડી કરી છે અને કોપી રાઈટ એક્ટનો ભંગ કર્યો છે.
Share it on
|