કચ્છખબરડૉટકોમ, રાપર: રાપરમાં ૨૭-૧૧-૨૦૨૩ના રોજ બેન્કમાં નાણાં ભરવા જઈ રહેલાં પેટ્રોલ પંપ કર્મચારીઓને જાહેર માર્ગ પર આંતરીને, એક જણને છરીથી ઈજા પહોંચાડી ૧૨.૭૯ લાખ રૂપિયાની લૂંટના ગુનાનો સૂત્રધાર સુખો પોલીસ જીપમાંથી ફિલ્મી ઢબે ફરાર થઈ ગયો છે. આ એ જ ખૂંખાર સુખો કોલી છે કે જે અગાઉ ૦૬-૦૯-૨૦૨૧ના રોજ આ જ રીતે રાપર કૉર્ટની મુદ્દતેથી પરત ફરતી વેળા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયેલો! પોલીસ ગળપાદરથી લઈ રાપર રવાના થયેલી
પેટ્રોલ પંપ લૂંટ કેસમાં પોલીસે સુખા સહિત ૬ આરોપીઓની ધરપકડ કરેલી. પૂછપરછમાં ૨૨ વર્ષિય સુખો ઊર્ફે સુખદેવ રામસંગ કોલી (રહે. રત્નેશ્વર, રાપર. મૂળ રહે. ખેડૂકા, રાપર) મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીધામ ગળપાદર જેલમાં બંધ સુખા સહિત ત્રણ આરોપીને આજે રાપરની જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટની મુદ્દત હોઈ ગાંધીધામ બી ડિવિઝનના પીએસઆઈ બી.બી. રાણા અને અન્ય ચાર પોલીસ કોન્સ્ટેબલો હાથકડી પહેરાવીને બોલેરો જીપમાં પાછળ બેસાડી સવારે દસ વાગ્યે રાપર જવા નીકળ્યાં હતાં.
રેલવે ફાટકે હાથકડીમાંથી હાથ સરકાવી ફરાર
બપોરે બાર વાગ્યે ચિત્રોડ ફાટકે ટ્રેન આવતી હોઈ ફાટક બંધ હતું. બંને તરફ વાહનોની કતારો લાગી હતી. ટ્રેન પસાર થતાં ફાટક ખૂલ્યું હતું અને બંને તરફ આવ-જા માટે વાહનચાલકોનો ટ્રાફિક વધ્યો હતો તે સમયે મોકાનો લાભ જોઈને સુખો હાથકડીમાંથી તેનો હાથ સરકાવી બોલેરોનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયો હતો.
જેવો બહાર નીકળ્યો કે સામે એક એક્ટિવાવાળો યુવક હાજર હતો. સુખો તેની એક્ટિવા પાછળ બેસીને નાસી ગયો હતો. સુખાને નાસતો જોઈને પોલીસ ટીમ પણ બહાર નીકળી ગઈ હતી. બોલેરો સાથે રોડ પરથી પસાર થતાં બાઈકચાલકોની પાછળ બેસીને પોલીસે પણ એક્ટિવાનો પીછો કર્યો હતો.
ડેડરવા પાસે એક્ટિવા બંધ થઈ જતાં સુખો અને એક્ટિવાચાલક એક્ટિવાને રોડ પર ફેંકીને બાવળની ઝાડીમાં પલાયન થઈ ગયાં હતાં. ગાગોદર પોલીસે સુખાને ભાગવામાં મદદ કરનાર એક્ટિવાચાલક સામે પણ મદદગારીની ફરિયાદ નોંધી છે અને GJ-12 EJ-5675 નંબરની એક્ટિવા જપ્ત કરી છે.
જાણો, ખૂંખાર સુખાની ક્રાઈમ કુંડળી
સુખા સામે લૂંટ ઉપરાંત ભૂતકાળમાં હત્યા, મારામારી તથા પોલીસ જાપ્તામાંથી નાસી જવાની ફરિયાદો નોંધાયેલી છે. સુખો રીઢો અને ખૂંખાર છે. ૨૦૨૧માં સુખો માનગઢમાં રહેતી તેની પ્રેમિકાને ભગાડી ગયો હતો અને ‘પેટ’ ભરાઈ જતાં તેને ઝેર પીવડાવી રઝળતી મૂકીને તેના સાગરીત તુલસી કોલી સાથે નાસી ગયો હતો. પ્રેમિકાની હત્યા કેસમાં પોલીસે તેની ધરપકડ કરેલી.
આ ગુનામાં ગળપાદર જેલમાં કેદ સુખો અને તુલસી રાપર કૉર્ટની મુદ્દત ભરીને પરત ફરતી વેળા ૦૬-૦૯-૨૦૨૧ના રોજ બાદરગઢ નજીક પોલીસ વાનમાંથી નાસી છૂટ્યાં હતાં.
પાછળથી તત્કાલિન આડેસર પીએસઆઈ બી.જી. રાવલ સુખાને નર્મદા જિલ્લાના તિલકવાડાથી પકડી લાવ્યાં હતાં. રાપરમાં પેટ્રોલ પંપ કર્મચારીને લૂંટ્યા બાદ સુખો મુંબઈ નાસી ગયેલો અને પીએસઆઈ રાવલ જ તેને ઝડપી લાવ્યાં હતાં.
જે રીતે સુખો નાસી ગયો છે તે જોતાં તેણે પહેલાંથી જ તેનું પ્લાનીંગ કરી રાખ્યું હોવાની શક્યતા છે. આવા ખૂંખાર આરોપીઓને કૉર્ટમાં લેવા મૂકતી વખતે શું પોલીસ કશી વિશેષ તકેદારી નહીં રાખતી હોય તેવો સહજ સવાલ ઉઠે છે.
Share it on
|