click here to go to advertiser's link
Visitors :  
26-May-2026, Tuesday
Home -> Nakhatrana -> Five Farmers Duped of Appx. 1 Crore by Local Agro Trader in Nakhtrana
Tuesday, 24-Mar-2026 - Nakhtrana 46864 views
નખત્રાણાની વેપારી પેઢીએ ખેડૂતોના એરંડા ખરીદીને એકાદ કરોડનું ફુલેકું ફેરવ્યું
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ કૃષિ પેદાશોની ખરીદી કરતી નખત્રાણા તાલુકાની વેપારી પેઢી કાચી પડતાં બે ખેડૂત પરિવારના અંદાજે એકાદ કરોડ રૂપિયાનું ઉઠમણું થઈ ગયું હોવાનો બનાવ ફોજદારી ફરિયાદરૂપે બહાર આવ્યો છે. નખત્રાણા પોલીસે પારિવારિક સભ્યોની માલિકી ધરાવતી પેઢીના ચાર સંચાલકો વિરુધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.

દેશલપર ગુંતલી ગામે ઠા. વેલજી વિઠ્ઠલદાસ નામની જનરલ મરચન્ટ એન્ડ કમિશન પેઢી વર્ષોથી નખત્રાણા તાલુકાના વિવિધ ખેડૂતોના એરંડાની ખરીદી કરે છે. આમારા ગામના વેરશીભાઈ કેશાભાઈ આયર અને ધામાય ગામના જેશાભાઈ કાનાભાઈ આહીર અને બેઉના પરિવારજનો આ પેઢીને છેલ્લાં દસેક વર્ષથી એરંડાના પાકનું વેચાણ કરે છે.

વેરશીભાઈએ ૨૦૧૬થી ૨૦૨૪ના વર્ષ દરમિયાન આ પેઢીને કુલ ૬૩૦ મણ એરંડાનું વેચાણ કરેલું. પેઢી માલિકોએ જે-તે સમયે થોડાં ઘણાં રૂપિયા આપીને જો હાલ રૂપિયાની જરૂર ના હોય તો ઉતાવળ ના કરો, તમને વધુ ભાવ આપશું કહીને પેમેન્ટ કર્યું નહોતું.

આમ ને આમ દસ વરસ વીતી જવા છતાં વેરશીને સાડા નવ લાખ રૂપિયા જેટલું પેમેન્ટ મળ્યું નહોતું.

આ જ રીતે આ પેઢીએ વેરશીના ભાઈ ખેંગારને અઢી લાખનું પેમેન્ટ ચૂકવ્યું નથી. તો, ધામાય ગામના જેશાભાઈ કાનાભાઈ આહીર અને તેમના બે પુત્રોને પણ છેલ્લાં નવ વર્ષ દરમિયાન આ પેઢીને વેચેલાં એરંડાના પેમેન્ટમાંથી ૮૨.૬૦ લાખ રૂપિયા લેવાના નીકળે છે.

લાખ્ખો રૂપિયાની લહેણી બાકી નીકળતી હોઈ ખેડૂતોએ પેમેન્ટ માટે દબાણ કરવાનું શરૂ કરતાં તેમણે ગત સપ્ટેમ્બર માસમાં બેઠક યોજીને હાલ પેઢી નુકસાનીમાં ચાલતી હોવાનું જણાવીને સૌને ટુકડે ટુકડે પેમેન્ટ ચૂક્તે કરી દેવાની ખાતરી આપેલી.

આ વાયદાને પણ છ મહિના વીતી ગયાં છે, કોઈને કાણી પાઈ પણ મળી નથી.  

વેપારી પેઢીના સંચાલકો સતત વાયદા કરતાં હોઈ કંટાળેલાં ખેડૂતોએ આજે નખત્રાણા પોલીસ મથકે હિતેશભાઈ વિઠ્ઠલદાસ બારુ, કનૈયાલાલ વિઠ્ઠલદાસ બારુ, વિરલ જમનાદાસ બારુ અને સાવન કનૈયાલાલ બારુ વિરુધ્ધ ચીટીંગની ફરિયાદ નોંધાવી છે. હિતેશની દેશલપરમાં અનાજ કરિયાણાની દુકાન છે. તો આ પેઢીની સંયુક્ત માલિકીની અન્ય બે પેઢી રમા એન્ટરપ્રાઈઝ અને રમા ટેલિકોમ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ નખત્રાણાના વથાણ ચોકમાં આવેલી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૧માં આ જ રીતે નખત્રાણાના મંગવાણા ગામનો શૈલેષ નટવરલાલ નાકરાણી નામનો વેપારી ખેડૂતોનો વિશ્વાસ જીતીને પાંચેક કરોડનો માલ ખરીદી ટોપી પહેરાવી ફરાર થઈ ગયેલો. જે અંગે નખત્રાણા પોલીસ મથકે વિવિધ ખેડૂતોએ ફરિયાદ નોંધાવી હતી.
Share it on
   

Recent News  
મુંદરા ખંડણી લૂંટ પ્રકરણમાં ઝડપાયેલા આપ પ્રમુખ સહિતની ત્રિપુટી જેલહવાલે
 
દારૂ કોઈકે ભર્યો ને કોઈક ખાલી કરવા કચ્છ લઈ આવ્યો! સ્થાનિક રીસીવર અંગે LCB અજાણ!
 
માંડવીના સલાયામાં પિતાની જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને પુત્રએ ૭૦ લાખની ઠગાઈ કરી