click here to go to advertiser's link
Visitors :  
24-Aug-2026, Monday
Home -> Gandhidham -> Goldsmith Swaps Real Gold Earring Screws with Fakes in Gandhidham
Tuesday, 24-Mar-2026 - Gandhidham 59534 views
ગોલ્ડ લોનના ગ્રાહકોના સોનાની બુટ્ટીનાં પેચ કાઢી નકલી પેચ લગાડી ૧૪ લાખની ઠગાઈ!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના બેન્કિંગ સર્કલ પાસે આવેલી ફેડરલ બેન્કમાં ગોલ્ડ લોન મેળવવા માટે સોનાની બુટ્ટી ગિરવે રાખી હોય તો સાવધ થઈ જજો. બેન્કે સોનાની ખરાઈ કરવા માટે રાખેલા સોનીએ બુટ્ટીના અસલી પેચ ચોરી લઈ નકલી પેચ લગાડી દીધા છે. બેન્કે ગોલ્ડના પરીક્ષણ માટે રાખેલા વીરેન વિનોદભાઈ પાટણીયાએ બે-પાંચ બુટ્ટી નહીં પરંતુ ૨૯૮ બુટ્ટીના અસલી પેચ કાઢી દઈ નકલી નાખી દઈને બેન્ક સાથે કુલ ૪૦ લાખ ૧૪ હજારની છેતરપિંડી કરી છે.

ફેડરલ બેન્કના મેનેજર અંકુર મોદીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે વીરેન વિરુધ્ધ બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બેન્કમાં ગોલ્ડ લોન મેળવવા માટે આવતા ગ્રાહકોના સોનાના ઘરેણાંના પરીક્ષણ માટે બેન્કે ફોબોસ ટેકનોલોજીસ પ્રા.લિ. નામની ખાનગી કંપની સાથે કરાર કરેલો.

આ કંપનીએ ગોલ્ડના પરીક્ષણ માટે ૨૩-૦૫-૨૦૨૪ના રોજ વીરેન પાટણીયા (રહે. આર.કે. ટાઉનશીપ, શિણાય, આદિપુર)ની નિમણૂક કરેલી. અચાનક ૧૦-૦૧-૨૦૨૬ના રોજ ફોબોસ કંપનીએ વીરેનને નોકરીમાં કાઢી મૂકેલો. તેના કારણો અંગે બેન્કને કશી માહિતી આપી નહોતી.

વીરેનની હકાલપટ્ટી બાદ એક ગ્રાહકે ગોલ્ડ લોન ભરપાઈ કરીને સોનાની બુટ્ટી પરત મેળવતાં બહાર આવેલું કે બુટ્ટીના પેચ નકલી છે.

સીસીટીવીમાં સોનીની ગોલમાલ કેપ્ચર થઈ ગઈ

ફરિયાદના આધારે બેન્કે સીસીટીવી કેમેરા ચેક કરતાં જણાયું હતું કે જે ગ્રાહકો સોનાના બુટિયા પર લોન લેવા આવે તે ગ્રાહકોના બુટિયાની ચકાસણી કરવાના નામે વીરેન સોનાના અસલી પેચ કાઢી લઈ શર્ટના ઉપરના ખિસ્સામાં સરકાવી દેતો અને પેન્ટના ખિસ્સામાં રાખેલાં નકલી પેચ કાઢી બુટિયામાં લગાડી દેતો.

વીરેનની ચાલબાજી પકડાઈ જતા બેન્ક મેનેજરે તેની પૂછપરછ કરતાં છઠ્ઠી માર્ચે તે પુત્ર જોડે બેન્કમાં આવેલો અને લેખીતમાં પોતે સોનાના બુટિયાના પેચ નકલી નાખી હેરફેર કરી હોવાનું સ્વીકારીને તેના નાણાં ભરપાઈ કરવાની ખાતરી આપેલી.

વીરેનની કબૂલાત બાદ અન્ય ગ્રાહકોની પણ બુટ્ટીના પેચ નકલી હોવાની ફરિયાદો શરૂ થતાં બેન્કે પ્રમાણિત સોની પાસે બેન્કમાં ગોલ્ડ લોનમાં આવેલાં તમામ ૨૨૫૩ ગોલ્ડ જ્વેલરીના પેકેટમાં રહેલાં ઘરેણાંની ખરાઈ કરાવતાં ૨૯૮ પેકેટમાં રહેલાં ઘરેણાં પૈકી સોનાના બુટ્ટીઓના પેચ નકલી હોવાનું બહાર આવેલું.

વીરેને હાલના બજાર ભાવ મુજબ ૪૦.૧૪ લાખની કિંમતનું ૨૮૩ ગ્રામ સોનુ ઓળવી લીધું હોવાનું સ્પષ્ટ થયું છે.
Share it on
   

Recent News  
નિયત સમયમાં ચાર્જશીટ દાખલ ના થતાં કૉર્ટે ૪ આરોપીને ડિફોલ્ટ બેઈલ પર છોડી મૂક્યાં!
 
દુબઈની કંપનીએ ૧.૩૭ કરોડના બાસમતી ચોખા ખરીદીને ભારતીય કંપનીને ચૂનો ચોપડ્યો
 
ડ્રાઈવીંગ સાથે ડ્રગ્ઝનો કારોબાર! SOGએ ૩૭ લાખના હેરોઈન સાથે પંજાબી યુવક ઝડપ્યો