|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઈરાન વિરુધ્ધ અમેરિકા અને ઈઝરાયેલે છેડેલાં ભીષણ યુધ્ધના કારણે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ઊર્જા સંકટ ઘેરું બની રહ્યું છે. ડોમેસ્ટિક અને કૉમર્સિયલ LPGની માગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન હજુ પૂરેપૂરું સધાયું નથી. ત્યાં હવે આજથી પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો લાગી છે. આજે બપોરે વિવિધ શહેરોના અમુક પંપો પર ‘નો સ્ટોક’ના પાટિયા ઝૂલવા માંડતા જોતજોતામાં દ્વિચક્રી અને કાર જેવા વાહનો સાથે લોકો ટાંકી ફૂલ કરાવવા પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યાં છે. સોશિયલ મીડિયા પર ફરતાં વીડિયોના લીધે પેટ્રોલની તંગી સર્જાયાની વાત વાયુવેગે ઘરોઘર ફરી વળી છે.
કચ્છના પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ આહીરે જણાવ્યું કે છેલ્લાં થોડાંક દિવસોથી સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે. ખાનગી ઓઈલ રીફાઈનરીઓ અગાઉ ચાર કલાકમાં ટેન્કરમાં માલ લોડ કરી આપતી હતી તે હવે ચાર દિવસે માંડ માલ લોડ કરે છે.
ખાસ કરીને, વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ખાનગી ઓઈલ રીફાઈનરીઓ નફા નુકસાનના અંદાજોને અનુલક્ષીને ઝડપથી માલ લોડ કરતી નથી. આ પરિસ્થિતિ વચ્ચે અમુક પંપો ‘ડ્રાય’ થઈ જતાં લોકોમાં પેટ્રોલની તંગીને લઈ ગભરાટ સર્જાયો. વાહનચાલકો ટાંકી ફૂલ કરાવવા ઉમટી પડતાં અન્ય પેટ્રોલ પંપો પર ભારણ પડ્યું.
હકીકતે આમજનતાના વાહનો માટે પેટ્રોલ કે ડીઝલની એવી કોઈ ગંભીર તંગી નથી. દરેક પંપવાળા માલનો આગોતરો સ્ટોક કરી રાખતાં હોય છે. પરંતુ, પેનિકના લીધે જે પંપ પર રોજ ત્રણ ચાર હજાર લીટર પેટ્રોલ કે ડીઝલની ખપત થતી હતી ત્યાં અચાનક ત્રણથી ચારગણો વધુ માલ વેચાવા માંડતા તકલીફો સર્જાઈ છે.
અમુક વાહનચાલકો તો સંઘરાખોરીના ઈરાદે પણ પેટ્રોલ ડીઝલનો જથ્થો બિનજરૂરી ખરીદી રહ્યાં છે.
કચ્છ ઉપરાંત અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં પણ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો લાગી છે. સરકારી તેલ કંપનીઓમાંથી નિયમિત રીતે પૂરતો પુરવઠો અપાઈ રહ્યો છે. સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને આવી અફવાઓથી લોકો દૂર રહે. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું છે કે રાજ્ય પાસે પેટ્રોલ ડિઝલનો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે.
Share it on
|