|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના ૪૦ વર્ષિય વિકલાંગ વેપારીએ વ્યાજે લીધેલાં ૧૫ લાખ રૂપિયા સામે વ્યાજ અને મૂડી સહિત ૩૦ લાખ રૂપિયા ચૂકવી આપવા છતાં વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે રાપરના કિશોરભા કાનાભા ગઢવી સામે ગેરકાયદે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે. ફરિયાદી પ્રકાશ નવીનભાઈ ઠક્કર (રહે. અયોધ્યાપુરી, રાપર મૂળ રહે. ઉમૈયા, રાપર) બંને પગે વિકલાંગ છે. ફરિયાદી અગાઉ રાપર એપીએમસીમાં અનાજનો વેપાર કરતો હતો. ચાર વર્ષ અગાઉ ધંધામાં ખોટ જતાં તેણે કિશોર ગઢવી પાસેથી માસિક પાંચ ટકા વ્યાજે ૧૫ લાખ રૂપિયા મેળવ્યાં હતા.
૧૫ લાખ સામે મહિને તેઓ ૭૫ હજાર રૂપિયા વ્યાજ ચૂકવતાં હતા. અઢી વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ કંટાળીને દોઢ વર્ષ અગાઉ તેમણે એપીએમસીમાં આવેલી દુકાન વેચી નાખેલી અને કિશોરને ૧૨ લાખ રૂપિયા ચૂકવી આપેલાં.
મૂડી પેટે ૧૨ લાખ ચૂકવ્યાં છતાં કિશોરે હજુ ૩ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું જણાવીને પાંચ ટકા લેખે મહિને ૧૫ હજાર રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે તેમ કહેલું. ફરિયાદી તેને દર મહિને ૧૫ હજાર વ્યાજ ચૂકવે છે. ક્યારેક વ્યાજ ચૂકવવામાં મોડું થાય તો કિશોર ધાક ધમકી કરતો રહેતો.
આ મહિને પ્રકાશ ઠક્કર વ્યાજ ચૂકવી શક્યો નહોતો. જેથી મકર સંક્રાતિના આગલા દિવસે કિશોર તેના ઘરે આવેલો અને પ્રકાશની માતા તથા ભાઈની હાજરીમાં ભૂંડી ગાળો ભાંડીને આવતા મહિનાથી હવે તારે દસ ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે તેવી ધમકી આપીને તેના ઘરને તાળું મારી ઘરનો કબજો લઈ લેવાની ધમકી આપી હતી.
પરિવારજનોએ હિંમત આપતા પ્રકાશ ઠક્કરે કિશોર ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|