કચ્છખબરડૉટકોમ, રાપરઃ પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. રાપરના અંતરિયાળ ગણાતાં બાલાસર ગામે આવેલા બાલાસર પોલીસ સ્ટેશને કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે આજે જાણે સમાજ સેવાનું પણ બીડું ઉપાડ્યું હોય તેવો કાર્યક્રમ યોજાયો હતો. ગંભીર માર્ગ અકસ્માતોમાં થતાં મૃત્યુને નિવારવા માટે આજે બાલાસર પોલીસ સ્ટેશન દ્વારા ૩૦૦ દ્વિચક્રી વાહનચાલકોને ૩૦૦ હેલમેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
ભારત વિકાસ પરિષદ અને બાલાસર પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે આયોજીત કાર્યક્રમમાં હેલમેટ વિતરણ ઉપરાંત અંતરિયાળ ગામોની મહિલાઓ માટે એનીમિયા ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો. જેમાં ૩૦૦ જેટલી મહિલાઓના બ્લડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને મહિલા સશક્તિકરણ અને વિવિધ રીતે થતા સાયબર ફ્રોડ અંગે સમજણ આપવામાં આવી હતી.
પોલીસ સ્ટેશન ખાતે આયોજીત આ કાર્યક્રમમાં રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, ડૉક્ટર ત્રિકાલદાસ મહારાજ, વાડીલાલ સાવલા, ભારત વિકાસ પરિષદ, કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી ડૉક્ટર અનંત હોંગલ, સ્થાનિક સંયોજક ડૉક્ટર સંજય પટેલ જોડાયાં હતા. બાલાસરના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.એ. ઝા અને સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Share it on
|