કચ્છખબરડૉટકોમ, રાપરઃ પોલીસની આંખમાં ધૂળ નાખવા બૂટલેગરો ખેતરમાં અથવા ગમાણમાં અંડરગ્રાઉન્ડ ટાંકો કે ભોંયરું બનાવીને તેમાં દારૂનો સંગ્રહ કરતા હોય તેવા અનેક કિસ્સા અગાઉ પૂર્વ કચ્છમાં બહાર આવેલાં છે.
Video :
લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજે વધુ એકવાર એક બૂટલેગરે ઘરની અંદર દારૂનો સંગ્રહ કરવા બનાવેલાં ભૂગર્ભ ટાંકામાંથી ૨.૬૧ લાખના બિયરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે બૂટલેગર વાસુદેવ જાડેજાએ ઘરના બેડરૂમમાં રહેલા પેટી પલંગની નીચે ભોંયરું બનાવ્યું હતું.
એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમાએ જણાવ્યું કે રાપરના ગાગોદરમાં વાસુદેવસિંહ ઊર્ફે વાસુભા અજીતસિંહ જાડેજા, રાજપાલસિંહ જીવુભા જાડેજા અને નરેન્દ્રસિંહ ઊર્ફે બબુભા બહાદુરસિંહ જાડેજા (ત્રણે રહે. ગાગોદર) ત્રણે જણ ભેગાં મળીને વિદેશી શરાબ બિયરનું વેચાણ કરતા હોવાની તથા એક કાળા રંગની સ્કોર્પિયો કારમાં બિયરનો મોટો જથ્થો વાસુદેવના રહેણાક મકાનમાં ઉતર્યો હોવાની બાતમી મળેલી.
પલંગનું પાટિયું હટાવતાં જ ગુપ્ત ભોંયરું જોવા મળ્યું
બાતમીના પગલે એલસીબીની ટીમ વાસુદેવના મકાનમાં ધસી ગઈ હતી. મકાનના ખૂણે-ખૂણાની તલાશી લીધી હતી પરંતુ ક્યાંયથી બિયરનું એક ડબલું સુધ્ધાં મળ્યું નહોતું. બાતમી પાક્કી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક એક ચીજવસ્તુની ખંતપૂર્વક તલાશી શરૂ કરી હતી. વાસુદેવના બેડરૂમમાં આવેલા પેટી પલંગને ખોલતાં તેમાંથી ગાદલાં ગોદડાં વગેરે મળ્યાં હતા.
પોલીસે આખો પેટી પલંગ ફેંદી નાખ્યા બાદ તેના તળિયામાં રહેલું પાટિયું હટાવતાં જ નીચે રહેલો અંડરગ્રાઉન્ડ ટાંકો નજરે પડ્યો હતો.
ટાંકામાંથી પોલીસે ૨.૬૧ લાખના બિયરના ૧૧૮૮ નંગ ટીન જપ્ત કર્યાં છે. સ્થળ પરથી ખાડો ખોદવા માટે વપરાતું એક હેમર મશિન પણ જપ્ત કરાયું છે. જો કે, દરોડાની ગંધ આવી ગઈ હોય તેમ સ્થળ પર એકેય બૂટલેગર હાજર મળ્યો નહોતો.