કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં રહેતી ૫૦ વર્ષની આધેડ મહિલાનો ‘વાંધાજનક’ વીડિયો રેકોર્ડ કરી, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માગી રહેલા નીલપર ગામના બે ભાઈઓના બ્લેકમેઈલીંગથી કંટાળીને મહિલાએ કૂવામાં પડતું મૂકી આપઘાત કરી લીધો છે. આજથી બાર તેર દિવસ અગાઉ મહિલાએ કૂવો પૂરીને આપઘાત કરી લીધો હતો. મરણ જનાર મહિલાના ચાર સંતાનો છે જે તમામ લગ્ન કરીને સ્થાનિકે અને અન્ય રાજ્યમાં ઠરીઠામ થયેલાં છે. મરણ જનાર મહિલા રાપરથી થોડે દૂર આવેલા એક મંદિરમાં કામ કરવા જતી હતી ત્યારે નીલપર ગામના પ્રવિણ અરજણ કોલી અને ભરત અરજણ કોલીએ તેનો વાંધાજનક વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. બાદમાં બેઉ જણે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મહિલા પાસેથી રૂપિયા માગવાનું શરૂ કરેલું.
બેઉ જણે આપેલી ધમકીનું મહિલાએ ફોનમાં રેકોર્ડીંગ કરી દીધેલું.
આવી ચાર ક્લિપ પૈકી એક ક્લિપમાં આરોપીઓ પહેલાં પચાસ હજાર અને પછી પચીસ હજાર રૂપિયા આપી દેવા માંગણી કરીને ધમકી આપતા સંભળાય છે.
એક જણો સ્પષ્ટ રીતે ધમકી આપી રહ્યો છે કે ‘પૈસે દેજે નકર ઘરે આવીને મારીશ, વીડિયો મૂકવો છે કે છૂટો કરવો છે? પંદર હજાર વાહે દેજે અત્યારે દસ હજાર અત્યારે આપવા આવ નહિતર વીડિયો વાયરલ કરીશ’
મહિલા આ લોકોની માંગણીને વશ થઈ નહોતી. તેણે રૂપિયા આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં આ અંગે પુત્રને પણ વાત કરીને વ્યથા વ્યક્ત કરેલી. જો કે, બીજા દિવસે વહેલી સવારે તેણે કૂવામાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આડેસર પીઆઈ જે.એમ. વાળાએ પુત્રએ નોંધાવેલી ફરિયાદ દાખલ કરીને બંને આરોપી સામે તપાસ હાથ ધરી છે.
Share it on
|