|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના નૂતન ત્રંબો ગામે ૨૪ વર્ષિય દલિત યુવકની હત્યા કરવા બદલ પોલીસે ભરત કેશાભાઈ અખિયાણી (કોલી) વિરુધ્ધ ગુનો નોંધીને તેની અટક કરી લીધી છે. પોતાના કાકાની દીકરી જોડે મરણ જનારને પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખીને ભરતે ગામના બસ સ્ટેશન પાસે જાહેરમાં ધનસુખ ડોડિયા નામના યુવકનું ઢીમ ઢાળી દીધું હોવાનું બહાર આવ્યું છે. મરણ જનાર યુવકના પિતા નારણભાઈ ચોંડાભાઈ ડોડિયાએ રાપર પોલીસ મથકે પરોઢે સાડા ચાર વાગ્યે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે સાડા નવથી દસના અરસામાં તેમના પુત્ર ધનસુખની ભરતે હત્યા કરી નાખી હતી.
આરોપી ભરત મૃતકને બાઈક પર બેસાડી લઈ ગયેલો
ધનસુખ તેના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર સોલંકીની એક્ટિવા પાછળ બેસીને રાપર તરફ જતો હતો ત્યારે પાછળથી મોટર સાયકલ પર ધસી આવેલા ભરત કોલીએ એક્ટિવા ઊભું રખાવ્યું હતું. ‘ચાલ, મારે તારું થોડું કામ છે, હમણાં પાછાં આવીએ’ કહીને ભરત ધનસુખને તેની બાઈક પાછળ બેસાડીને લઈ ગયો હતો.
બસ સ્ટેશન પર મોંઢા પર પાઈપથી ઘાતક હુમલો
થોડીકવાર બાદ ધર્મેન્દ્રને શંકા જતા તે યુ ટર્ન લઈને બાઈક પાછળ ગયેલો. બસ સ્ટેશન પાસે આવીને જોયું તો ભરત ધનસુખના મોંઢા પર આડેધડ રીતે લોખંડની પાઈપ મારતો હતો.
ભરતના હુમલાથી આસપાસમાં ઊભેલાં લોકો પણ ત્યાંથી નાસી ગયાં હતા. ધર્મેન્દ્રએ રાડો પાડતા ભરત પાઈપ ફેંકીને બાઈક પર નાસી છૂટ્યો હતો.
હુમલાના પગલે ધનસુખની ડાબી આંખ, નાક, દાઢી પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. બેહોશ હાલતમાં જમીન પર પડી ગયેલાં ધનસુખને તત્કાળ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને સારવાર મળ્યાં અગાઉ મૃત જાહેર કર્યો હતો.
પરિસ્થિતિ જાળવવા ચાંપતો પોલીસ બંદોબસ્ત
રાપર પોલીસે હત્યા, એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી ભરતને દબોચી લીધો છે. ઘટનાના પગલે નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડા અને ઈન્ચાર્જ પીઆઈ વી.એ. સેગલ ઘટનાસ્થળે દોડી ગયાં હતા. હત્યા બાદ પરિસ્થિતિ અનિચ્છનીય વળાંક ના લે તે માટે અગમચેતી દાખવીને રાપર ઉપરાંત આડેસર, ગાગોદર, લાકડીયા, બાલાસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્ત માટે તૈનાત કરી દીધો છે.
Share it on
|