|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ વટ, વચન પાલન અને વેરના વળામણાં માટે ગમે તેનું માથું વાંઢી નાખવા માટે પંકાયેલા રાપરમાં હત્યાનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચઢ્યો છે. રાપરના નવાપરામાં ઘર નજીક ગાડી લઈને આંટા ફેરાં કરી રહેલા યુવકને ઠપકો આપવા બદલ ૨૨ વર્ષના પ્રવિણ જગમાલભાઈ ભરવાડ નામના યુવકની હત્યા થઈ ગઈ છે. બનાવ અંગે રાપર પોલીસે હત્યાની કલમો તળે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર પ્રવિણ ભરવાડ અને આરોપી નીમેષ કિરીટભા ગઢવી વચ્ચે પાંચેક દિવસ અગાઉ ઝઘડ થયેલો. નીમેષ પોતાના ઘર પાસે ગાડી લઈને વારંવાર આંટાફેરાં મારતો હોઈ પ્રવિણે નીમેષને ફોન કરીને ગાળો ભાંડી માથાકૂટ કરેલી.
આ બાબતની અદાવત રાખીને રવિવારે સાંજે સાડા છથી સાતેક વાગ્યાના અરસામાં નીમેષે નગરપાલિકાના ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીક પ્રવિણને પેટમાં છરી મારી દીધી હતી.
પ્રવિણને શોધતાં શોધતાં તેના સ્વજનો ત્યાં આવી ચઢેલાં. છરીનો ઘા સામાન્ય જેવો લાગતો હોઈ પ્રવિણે હોસ્પિટલમાં જઈ સારવાર મેળવવાનો ઈન્કાર કરતાં સ્વજનો તેને ઘરે લઈ ગયેલાં. રાત્રે નિત્યક્રમ મુજબ પ્રવિણ સૂઈ ગયેલો.
આજે સવારે અચાનક પેટમાં દુઃખાવો શરૂ થતાં પરિવારજનો પ્રવિણને રાપરની સરકારી હોસ્પિટલે તેડી ગયેલાં. પ્રવિણ બેહોશ થઈ ગયેલો. સરકારી હોસ્પિટલે ઈજા ગંભીર હોવાનું જણાવીને તેને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ રીફર કરેલો. પ્રવિણને ભુજ લઈ જવાતો હતો તે દરમિયાન બપોરે સામખિયાળી નજીક રસ્તામાં તેણે કાયમ માટે આંખો મીંચી લીધી હતી.
રાપરના પીઆઈ જે.બી. બુબડીયા અને નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડાએ બનાવ અંગે હત્યાની કલમો તળે ગુનો નોંધવા તજવીજ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
Share it on
|