|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભચાઉના ચીરઈ નજીક રોડ વચ્ચે ઊભેલાં આઈશર ટ્રક પાછળ ઑટો રીક્ષા ઘૂસી જતાં માતા અને માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું છે. બનાવ અંગે ભચાઉ પોલીસે GJ-12 BV-2673 નંબરના આઈશર ચાલક વિરુધ્ધ કોઈપણ પ્રકારનું સાઈડ સિગ્નલ કે આડશ રાખ્યા વગર બંધ હાલતમાં રોડ વચ્ચે વાહન ઊભું રાખી જીવલેણ અકસ્માત સર્જવા બદલ ગુનો દાખલ કર્યો છે. ભચાઉના નાની ચીરઈના કુંભારવાસમાં રહેતો ૨૧ વર્ષિય ફરિયાદી રીક્ષાચાલક તાસીમ સાંધાણી ગત મંગળવારે પત્ની શેરબાનુ (ઉ.વ. ૩૮) અને પુત્ર તાહિર (ઉ.વ. ૦૨)ને લઈને ખરીદી કરવા માટે ભચાઉ નીકળેલો. બપોરે સવા બેના અરસામાં ભચાઉથી ઘરે પરત જતા હતા ત્યારે નવી જૂની મોટી ચીરઈ નજીક લાલસન કંપની સામે નેશનલ હાઈવે પર પ્રાણઘાતક દુર્ઘટના સર્જાઈ હતી.
તાસીમે જણાવ્યું કે રીક્ષા આગળ એક ટ્રક જતી હોઈ તેણે ઓવરટેક કરવા પ્રયાસ કરેલો. ઓવરટેક કરવા જતાં જ સામે રોડ પર વચ્ચોવચ્ચ આઈશર ગાડી પંક્ચર પડેલી બંધ હાલતમાં પડી હતી.
પૂરઝડપે જતી રીક્ષાને બ્રેક મારે તે પહેલાં રીક્ષા આઈશર પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજાથી તાસીમના માસૂમ પુત્રનું બે અઢી કલાક બાદ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે, ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી પત્ની શેરબાનુએ ગઈકાલે શનિવારે કાયમ માટે આંખો મીંચી દીધી હતી.
દોડતી રીક્ષાએ બહાર છલાંગ લગાવતા યુવકનું મોત
ગાંધીધામના પડાણા નજીક પંચરત્ન માર્કેટ સામે ચાલતી રીક્ષામાંથી ૨૫ વર્ષના યુવકે બહાર કૂદકો મારતા, માથામાં બ્રેઈન હેમરેજ થઈ જતા તેનું મોત નીપજ્યું છે. બનાવ શુક્રવારે રાત્રે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. મરણ જનારનું નામ શિવમ્ દિલીપ દાસ છે અને તે કાર્ગો પીએસએલ ઝૂંપડપટ્ટી ખાતે રહી મજૂરી કરતો હતો. મૂળ બિહારના વતની શિવમે ચાલતી રીક્ષાએ કેમ કૂદકો માર્યો તે અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
Share it on
|