|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં છેલ્લાં બે મહિનાથી ડિજિટલ અરેસ્ટમાં રહેલી ૬૦ વર્ષિય વૃધ્ધ મહિલાને સાયબર ક્રાઈમ પોલીસે મુક્ત કરાવી છે. સાયબર માફિયાઓએ બે માસ દરમિયાન ટુકડે ટુકડે વૃધ્ધાની મરણમૂડી સમાન ૮૩.૪૪ લાખ રૂપિયા પડાવી લીધા છે. પશ્ચિમ કચ્છમાં સાયબર ક્રાઈમના બનાવોમાં જાણે ઉછાળો આવ્યો હોય તેમ ૨૬ દિવસમાં આ ચોથી ફરિયાદ નોંધાઈ છે. ભુજના કોડકી રોડ પર પ્રભુ પાર્ક પાસે વિનાયકી રેસિડેન્સીમાં રહેતા ૬૦ વર્ષિય રાજ્યલક્ષ્મી ચિદમ્બરમ્ જોશી નિવૃત્ત છે અને એકાકી જીવન ગાળે છે. ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ તમારું સીમ કાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે અને થોડીકવારમાં બંધ થઈ જશે તેમ કહીને ટેલિકોમ રેગ્યુલેટરી ઑથરોટી ઑફ ઈન્ડિયા (TRAI)ના નામે ગઠિયાઓએ તેમને જાળમાં ફસાવેલાં.
પોલીસ, CBI, સુપ્રીમ કૉર્ટના જજ બની ડરાવ્યાં
અન્ય કેસોમાં જે મોડસ ઓપરેન્ડીથી નિર્દોષ વૃધ્ધોને ટાર્ગેટ કરાય છે તે જ રીતે સાયબર માફિયાઓએ પોલીસનો યુનિફોર્મ પહેરીને તેમને મુંબઈ કોલાબા પોલીસ સ્ટેશન બોલાવ્યાં હતા. ત્યારબાદ સીબીઆઈ ચીફ અને સુપ્રીમ કૉર્ટના જજનો સ્વાંગ ધારણ કરીને ખોટાં હુકમો બનાવીને વૃધ્ધાને ડરાવી દીધાં હતા.
કેનેરા બેન્કમાં તેમના નામના ખાતામાં કરોડોની હેરફેર થઈ હોવાનું, મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહીને ગઠિયાઓએ તેમને હાઉસ અરેસ્ટ કર્યાં હતા.
કેસના સેટલમેન્ટના નામે સાયબર ચીટરોએ પોતે જે બેન્ક ખાતાં નંબર આપે તેમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવા સૂચના આપેલી. ૨૮ નવેમ્બરના રોજ પહેલીવાર વૃધ્ધાએ નેવું હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવેલાં. ત્યારબાદ ટુકડે ટુકડે આરોપીઓની સૂચના મુજબ તેઓ જે બેન્ક ખાતાં નંબર આપે તેમાં રૂપિયા જમા કરાવતાં રહેતાં હતા.
રૂપિયા પડાવવા વૃધ્ધાને દિલ્હીનો ફેરો ખવડાવ્યો
ગુનાનો ભોગ બનનાર રાજ્યલક્ષ્મીબેને તેમની બહેન વિજયાલક્ષ્મી સાથે પોસ્ટ વિભાગમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સનું એક જોઈન્ટ ખાતું ખોલાવી રાખેલું, જેમાં લાખો રૂપિયાની માતબર રકમ જમા હતી. સાયબર ચીટરોએ વૃધ્ધાને ડરાવી દેતાં રાજ્યલક્ષ્મીબેન તેમની મંજૂરીથી દિલ્હી જઈ બહેન વિજયાલક્ષ્મીને ભુજ તેડી લાવેલા અને ચીટરોને સૂચના મુજબ જોઈન્ટ ખાતાં પર ૪૦ લાખ રૂપિયાની ઓવરડ્રાફ્ટ લોન મેળવીને તેમના ખાતામાં જમા કરાવી હતી.
માહિતી મળતાં સાયબર પોલીસ મુક્ત કરાવ્યાં
ચીટરો સતત તેમને વીડિયો કૉલ કરી વૉચ રાખતાં. બેન્કમાં જાય ત્યારે પણ વૉચ રાખતાં. દરમિયાન, રાજ્યલક્ષ્મીબેનને સાયબર માફિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યાં હોવાની વિગતો મળતાં ભુજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે તેમનો સંપર્ક કરી, રૂબરૂ મળીને તેમને કથિત ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવી સાચી વિગતો થઈ વાકેફ કર્યાં હતા. પીઆઈ કિંજલબેન રાઠોડે ગુનાની તપાસ હાથ ધરી છે.
Share it on
|