કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરની મોમાય વાંઢમાં રહેતા ૧૯ વર્ષિય યુવક નરેશ સામાભાઈ મઢુતરીયા (કોલી)ને આજે રાજબાઈ માતાજીના મંદિરે યોજાયેલા મેળામાં હજારો લોકોની હાજરી વચ્ચે ત્રણ જણે છરીથી સરાજાહેર રહેંસી નાખતા વાગડ સહિત કચ્છભરમાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે નરેશના મોટા ભાઈ સંજયે રાપર પોલીસ મથકે ઉમૈયા ગામના નવીન મોહનભાઈ પરમાર, કાન્તિ મોહનભાઈ પરમાર અને બેઉના મોટા બાપાના દીકરા ભીખાભાઈ સવાભાઈ પરમાર વિરુધ્ધ હત્યા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. નરેશના બે સગાં ભાઈ અને મિત્રની નજર સમક્ષ તેની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી.
ભત્રીજી ભગાડી જવાની અદાવતમાં હત્યા
નરેશ ચારેક માસ અગાઉ આરોપીઓની ભત્રીજીને લગ્નના હેતુ ભગાડીને પોતાના ઘરે લઈ આવેલો. બાદમાં આ મામલે બંને પક્ષના લોકો વચ્ચે બેઠક થયેલી અને નરેશના પરિવારજનોએ છોકરીને સમજાવીને પરત મોકલી દીધી હતી. પાંચ દિવસ અગાઉ નજીકના સોનલવા ગામે ખુબડી માતાજીના મેળામાં નરેશ તેની માસી સાથે ફરવા ગયો હતો ત્યારે ત્રણે આરોપીઓ તેને મેળામાં મળ્યા હતા.
ત્રણે જણે નરેશને અટકાવીને ‘તું અમારી ભત્રીજીને કેમ ભગાડીને લઈ ગયેલો? હજી તેને કેમ હેરાન કરે છે?’ કહીને ઝઘડો કરેલો.
જો કે, માસીએ વચ્ચે પડીને મામલો શાંત કરાવેલો. તે સમયે ત્રણે આરોપીએ જતા જતા નરેશને ધમકી આપેલી કે ‘હવે ફરી સામો મળતો નહીં, નહિંતર જાનથી મારી નાખીશું’
હજારો લોકોની હાજરીમાં સરાજાહેર ઘાતકી હત્યા
આજે બપોરે મૃતક નરેશ તેના મિત્ર નીતિન ભલાણી, મોટાભાઈ સંજય અને નાના ભાઈ નીતિન જોડે સલારી કારૂડા વચ્ચે રાજબાઈ માતાજીના મંદિરે યોજાયેલા મેળામાં મહાલવા ગયેલો. બપોરે એકાદ વાગ્યાના અરસામાં સંજય પાણીની બોટલ લેવા દુકાને ગયેલો અને નરેશ ધીમે ધીમે આગળ ચાલીને જતો હતો તે સમયે નવીન, કાન્તિ અને ભીખાએ તેના પર હુમલો કર્યો હતો.
ભીખાએ તેને પકડી રાખ્યો હતો તથા નવીન અને કાન્તિ બેઉ જણ છરીઓ વડે તેના પર તૂટી પડ્યાં હતા.
નાના ભાઈની બૂમો સાંભળીને સંજય અને તેનો મિત્ર તેને બચાવવા દોડી ગયા ત્યારે આરોપીઓ નાસી ગયા હતા. નરેશના ગળા, હાંસડી, ખભા, પેટમાં છરીના સંખ્યાબંધ ઘા વાગતાં લોહીલુહાણ હાલતમાં તે ઢળી પડ્યો હતો. સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયો ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે રાપર પીઆઈ જે.બી. બુબડીયાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|