|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરમાં અંગત માલિકીની જમીન ગેરકાયદે પચાવી પાડવા બદલ એકસાથે ૧૯ લોકો પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. રાપર તાલુકાના રવ નજીક સુદાણા વાંઢની સીમમાં આવેલી આ જમીન પર આરોપીઓએ ગેરકાયદે નળિયાવાળા મકાન બનાવીને ખેતી કરી રહ્યાં હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ગાંધીધામના વકીલે નોંધાવી ફરિયાદ
ગાંધીધામમાં રહેતા ૪૨ વર્ષિય એડવોકેટ રાજેશ નારણભાઈ ગઢવીએ રાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સુદાણા વાંઢની સીમમાં આવેલી સર્વે નંબર ૬૧ પૈકી ૦૧ની ૪ હેક્ટર ૪૮ આરે ૧૭ ચોરસ મીટર જમીન તથા સર્વે નંબર ૬૨/૧ની ૫ હેક્ટર ૭૯ આરે ૭૨ ચો.મી. જમીન તેમની વડીલોપાર્જીત મિલકત છે. પોતે કામ ધંધા અર્થે છેલ્લાં ૨૫ વર્ષથી ગાંધીધામમાં સ્થાયી થયાં હોઈ જમીનની દેખભાળ રાખી શકતા નહોતા. દરમિયાન, નજીકની ચકુવાંઢના કોલી પરિવારના ૧૯ જણે આ જમીન ગેરકાયદે પચાવી પાડી છે. આરોપીઓ જમીન ખાલી કરતાં નથી અને માથાભારે છે.
ચકુવાંઢના કોલી પરિવારો પર દાખલ થઈ ફરિયાદ
આ અંગે કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિએ રાજેશ ગઢવીને દબાણકારો સામે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ નોંધાવવા હુકમ કરતા તેમણે આજે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓમાં (૧) રાયમલ ભુરાભાઈ કોલી (૨) લાડુબેન રાયમલ કોલી (૩) દેવશીભાઈ રાયમલ કોલી (૪) ઈશ્વરભાઈ રાયમલભાઈ કોલી (૫) બાબુભાઈ ભુરાભાઈ કોલી (૬) વિનોદ બાબુભાઈ કોલી (૭) રામજીભાઈ ભુરાભાઈ કોલી (૮) કાનજીભાઈ ભુરાભાઈ કોલી (૯) ગોકળભાઈ ચકુભાઈ કોલી (૧૦) ધનાભાઈ ગોકળભાઈ કોલી (૧૧) ભીખાભાઈ ગોકળભાઈ કોલી (૧૨) સામાભાઈ ગોકળભાઈ કોલી (૧૩) મનજીભાઈ કાથડભાઈ કોલી (૧૪) ખેતાભાઈ કાથડભાઈ કોલી (૧૫) રામાભાઈ કાથડભાઈ કોલી (૧૬) પોપટભાઈ ધીંગાભાઈ કોલી (૧૭) માદેવાભાઈ ધીંગાભાઈ કોલી (૧૮) દાદુભાઈ નરસિંહભાઈ કોલી અને (૧૯) રાયધણભાઈ નરશીભાઈ કોલીનો સમાવેશ થાય છે. ફરિયાદ અંગે નાયબ પોલીસ અધીક્ષકે તપાસ હાથ ધરી છે.
Share it on
|