કચ્છખબરડૉટકોમ, રાપરઃ ‘રામ રાખે તેને કોણ ચાખે?’ આ વાક્ય આજે રાપર તાલુકાના ઉમૈયા ગામના દરેક ગ્રામજનોના મોઢામાંથી સરી રહ્યું છે. વાત જાણીને તમારા મુખેથી પણ આ જ શબ્દો સરી પડશે. કારણ કે, ૧૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા બાળકનો બચાવ થયો છે.
Video :
પોલીસ અને વહીવટી તંત્રની મદદ પહોંચે તે પહેલાં ગ્રામજનોએ ‘હાજર સો હથિયાર’ માનીને કૂવામાં અધવચ્ચે ફસાઈ ગયેલાં રાકેશને બચાવવા માટે રસ્સો નાખ્યો અને રાકેશ રસ્સાને મજબૂતાઈથી પકડીને ચમત્કારિક રીતે જીવતો બહાર આવી ગયો.
આજે સાંજે પાંચ સાડા પાંચના અરસામાં બનાવ બન્યો હતો. ઉમૈયા ગામનો રાકેશ મહેશભાઈ કોલી નામનો દસ વર્ષનો બાળક રમતાં રમતાં અકસ્માતે એકસો ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. બનાવ અંગે જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનો કૂવાના ખુલ્લાં મુખ આગળ એકઠાં થઈ ગયાં હતા.
સદનસીબે રાકેશ કૂવામાં અધવચ્ચે જ ફસાઈ ગયો હતો અને લોકો પૂછે તો રડતાં રડતાં જવાબ આપતો હતો.
રાકેશ ગમે ત્યારે કૂવામાં ઊંડે ઉતરી જાય અને જીવ જોખમમાં મૂકાય તેવી તાણ ભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. બનાવ જાણીને ઘણાં લોકો હામ હારી ગયા હતા પરંતુ કોઠાસૂઝ ધરાવતાં ગ્રામજનોએ સતર્કતા દાખવીને તરત જ કૂવામાં ખાસ ગાંઠો વાળેલો રસ્સો કૂવામાં ઉતાર્યો હતો.
રાકેશને આ રસ્સો મજબૂતીથી પકડી લેવા જણાવેલું અને બાદમાં ધીમે ધીમે આ રસ્સો ખેંચીને રાકેશને કૂવામાંથી જીવતો બહાર કાઢી લીધો હતો.
રાકેશને શરીરે સામાન્ય ઉઝરડાં તથા અસ્થિભંગની નાની મોટી ઈજા થઈ છે. રાકેશના ચમત્કારિક બચાવના કારણે ગ્રામજનોમાં ખુશી છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ભુજ તાલુકાના કંઢેરાઈ ચુબડક ગામના સીમાડે સાડા પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં ૨૨ વર્ષની રાજસ્થાની યુવતી પડી ગઈ હતી. ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને આર્મીની ટૂકડીઓએ ભારે જહેમત બાદ ૩૪ કલાકે તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.