કચ્છખબરડૉટકોમ, દિલ્હીઃ ગાંધીધામના કિડાણા ગામ નજીક વિવિધ કંપનીઓને બોગસ આધાર પર ૧૫૦ એકર જમીન ગેરકાયદે ફાળવવાના કેસમાં સસ્પેન્ડેડ સનદી અધિકારી પ્રદીપ નિરંકરનાથ શર્માને ધરપકડ સામે સુપ્રીમ કૉર્ટે આગોતરાની રાહત લંબાવી આપી છે. વર્ષ ૨૦૧૨માં સીઆઈડી ક્રાઈમે શર્મા વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં જે-તે સમયે ગુજરાત હાઈકૉર્ટના વચગાળાના હુકમના આધારે શર્માની ધરપકડ થઈ નહોતી. ૨૦૧૯માં ફરી ધરપકડ સામેની રાહત કૉર્ટે લંબાવી હતી. સુપ્રીમ કૉર્ટના ચુકાદાથી શર્માના જેલવાસનો તત્કાળ અંત આવે તેવી હાલતુરંત કોઈ શક્યતા નથી. છેલ્લાં સાડા ચાર વર્ષથી તે વિવિધ કેસ અંતર્ગત જેલમાં કેદ છે.
તપાસ એજન્સીને પૂછપરછની છૂટ જ છે
શર્માને એન્ટીસીપેટરી બેઈલ આપવાનો વિરોધ કરતાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આરોપીની ધરપકડ કરી તેનું કસ્ટોડિયલ ઈન્ટરોગેશન કરવું જરૂરી છે. જો કે, જસ્ટિસ વિક્રમ નાથ અને પી.બી. વારાલેની ખંડપીઠે જવાબ આપ્યો હતો કે શર્માની પૂછપરછ કરવાની સીઆઈડી ક્રાઈમને છૂટ જ છે. તપાસ એજન્સી ઈચ્છે ત્યારે મેજિસ્ટ્રેટ કૉર્ટમાં તેમને રજૂ કરીને કસ્ટોડિયલ ઈન્ટરોગેશન કરવા રજૂઆત કરી શકે છે.
FIR રદ્દ નહીં કરવાના HCના ચુકાદા પર દખલનો ઈન્કાર
શર્માના વકીલ દેવદત્ત શર્માએ કૉર્ટને જણાવ્યું હતું કે તેમનો અસીલ ૭૧ વર્ષનો છે અને છેલ્લાં સાડા ચાર વર્ષથી વિવિધ કેસ અંતર્ગત જેલમાં કેદ છે. શર્મા સામે સીઆઈડીએ ૨૨-૦૩-૨૦૧૨ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. ૬ વર્ષના વિલંબ બાદ પોતાની સામે એફઆઈઆર દાખલ કરાઈ હોવાનું જણાવીને શર્માએ તેને રદ્દબાતલ કરવા જે-તે સમયે ગુજરાત હાઈકૉર્ટમાં અરજી કરેલી. હાઈકૉર્ટે શર્માની અરજી ફગાવી દીધી હતી પરંતુ ધરપકડ સામે વચગાળાની રાહત આપી હતી. સુપ્રીમ કૉર્ટે હાઈકૉર્ટના એફઆઈઆર ક્વેશ કરવાના ઈન્કારના ચુકાદા પર કશી દખલગીરી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
અગાઉ શર્મા આરોપ લગાવી ચૂક્યાં છે કે પોતે અને તેમનો મોટો ભાઈ IPS કુલદીપ શર્મા સરકારની ગુડ બૂકમાં નહોતાં. સરકારે કિન્નાખોરી રાખીને ૨૦૧૦થી તેમની વિરુધ્ધ અનેક ફોજદારી ફરિયાદો નોંધાવી છે.
Share it on
|