હે ભગવાન! મુંબઈ માટે ટેક ઑફ્ફ વખતે જ કંડલા રનવે પર પ્લેનનું વ્હિલ છૂટું પડી ગયું
કચ્છખબરડૉટકોમ, મુંબઈઃ આજે બપોરે કંડલા એરપોર્ટથી મુંબઈ માટે ઉડાન ભરનારી સ્પાઈસ જેટની ફ્લાઈટનું એક આઉટર ટાયર ટેક ઑફ્ફ વખતે રન વે પર જ છૂટ્ટૂં પડી જતાં પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્લેન તો ઉડાન ભરી ચૂક્યું હતું.
Video :
યોગાનુયોગ ટેક ઓફ્ફ વખતે ફ્લાઈટમાં બેસેલો એક પ્રવાસી મોબાઈલમાં વીડિયો રેકોર્ડીંગ કરતો હતો ત્યારે જ ટાયર જૂદું થઈને રનવે પર જતું કેપ્ચર થઈ ગયું હતું. ‘વ્હિલ તો નીકલ ગયા’ કહીને આ પ્રવાસીએ સૌને જાણ કરતાં પ્રવાસીઓમાં ભારે ગભરાટ છવાઈ ગયો હતો.
મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી વચ્ચે સરળ લેન્ડીંગથી હાશ
પોણા ચાર વાગ્યે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થવાનું હતું. પાયલટે મુંબઈ એરપોર્ટ પર જાણ કરી દેતાં એરપોર્ટ પર ફૂલ ઈમરજન્સી જાહેર કરી દેવાઈ હતી.
પાયલટે પણ ઈમરજન્સી પ્રોટોકોલ મુજબ પ્લેનમાં રહેલું ફ્યુઅલ ખાલી કરી દઈને પ્લેનને બપોરે ૩.૫૧ વાગ્યે લેન્ડ કરાવ્યું હતું.
પાયલટની કુશળતાના કારણે વિનાવિઘ્ને સરળતાથી પ્લેનનું લેન્ડીંગ થઈ જતાં ૭૫ પ્રવાસીઓના જીવમાં જીવ આવ્યો હતો. Q 400 ટર્બોપ્રોપ પ્રકારના આ પ્લેનને સલામતી ખાતર ટેક્સી વેમાં લઈ જવાયું હતું. કંડલા એરપોર્ટના રન વે પર છૂટું પડેલું ટાયર પણ મળી આવ્યું છે. સ્પાઈસ જેટે પ્લેનમાં ટેકનિકલ ફૉલ્ટ હોવાનું સ્વીકાર્યું છે. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાનું હજુ કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ત્યારબાદ પણ દેશમાં ઉડતાં અનેક પ્લેનોમાં અનેક વખત ગંભીર ટેકનિકલ સમસ્યાઓ સામે આવી છે. ત્યારે, આ ઘટનાએ વધુ એકવાર હવાઈ ઉડ્ડયન કરતાં પ્રવાસીઓમાં ગભરાટ ફેલાવી દીધો છે.