click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Other -> SMC expose fake gamble raid and corruption of 63 Lakh by Tankara PI Gohil
Friday, 13-Dec-2024 - Bureau Report 89227 views
કચ્છમાં નોકરી કરી ચૂકેલ PI ગોહિલે ટંકારામાં જુગાર રેઈડના નામે ૬૩ લાખનો તોડ કર્યો
કચ્છખબરડૉટકોમ, મોરબીઃ પૂર્વ કચ્છમાં ચાર વર્ષ સુધી ફરજ બજાવી મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે મૂકાયેલાં યુવરાજસિંહ કે. ગોહિલે જુગારનો ખોટો કેસ કરીને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાસેથી ૬૩ લાખ રૂપિયાનો તોડ કરતાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્ય પોલીસ વડાની સૂચનાથી સ્ટેટ મોનિટરીંગ સેલે સમગ્ર ઘટનાની ગહન તપાસ કરીને સમગ્ર તોડકાંડનો પર્દાફાશ કરી ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકી વિરુધ્ધ ખોટી ફરિયાદ, ખોટા પૂરાવા ઊભાં કરીને તોડ કરવા સબબ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
ગોહિલે પૂર્વ કચ્છમાં ચાર વર્ષ સુધી ફરજ બજાવેલી

૨૦૨૦થી પૂર્વ કચ્છ પોલીસ દળમાં વાય.કે. ગોહિલે આડેસર, સામખિયાળી, દુધઈ અને ગાંધીધામ શહેર ટ્રાફિકમાં પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે ચારેક વર્ષ સુધી ફરજ બજાવી હતી. ૦૧-૦૮-૨૦૨૪ના રાજ્યના ૨૩૩ પીએસઆઈની પીઆઈ તરીકે સામૂહિક બઢતી અંતર્ગત પીઆઈ તરીકે બઢતી થયાં બાદ ગોહિલે ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. થોડાંક માસ પૂર્વે જ ગોહિલની ટંકારા ખાતે બદલી થઈ હતી.

એક સમાચારના કારણે મામલો પ્રકાશમાં આવ્યો

‘ટંકારા જુગારધામ પ્રકરણમાં આરોપીએ ખોટું નામ આપ્યાનો ખુલાસો’ મતલબના સમાચાર અખબારોમાં પ્રગટ થતાં રાજ્ય પોલીસ વડાએ તત્કાળ SMCને ગુપ્ત રાહે તપાસ સોંપી હતી. જેમાં જુગારની બોગસ રેઈડ અને તોડકાંડનો પર્દાફાશ થયો છે.

પહેલાં ૧૨ લાખ મગાવ્યા જે જપ્ત રોકડ તરીકે દર્શાવી

૨૬ ઓક્ટોબરના રોજ ગોહિલ અને તેમની ટીમે ટંકારા રાજકોટ હાઈવે પર આવેલા કમ્ફર્ટ રીસોર્ટના રૂમમાં રેઈડ કરી ૭ આરોપીને વિવિધ રંગ અને મૂલ્ય લખેલાં ટોકનની લેવડદેવડથી તાશના પત્તાથી જુગાર રમતાં ઝડપ્યાં હતાં. રીસોર્ટના પાર્કિંગમાં પડેલી એક ફોરચ્યુનર કારમાં હાજર વિમલ પાદરીયા અને ડ્રાઈવર ગોપાલ સભાડને ૧૨ લાખ રૂપિયા આપીને સાતે જણ ટોકન મેળવીને જુગાર રમતાં હોવાનો ગુનો દાખલ કરેલો. પોલીસે કુલ નવ લોકોની ધરપકડ દર્શાવી અને એક જણને સ્થળ પર હાજર ના મળ્યો હોવાનું ફરિયાદમાં જણાવેલું.

SMCની  તપાસમાં બહાર આવ્યું છે કે રૂમમાં હાજર સાત લોકો ટાઈમપાસ ખાતર ટોકન વડે તાશના પત્તા રમતાં હતાં.

દરોડા બાદ મહિપત સોલંકી અને ગોહિલે તીરથ ફળદુ તથા વિમલ પાદરીયા નામના શખ્સો પાસે અલગ અલગ રીતે વાતચીત કરી જુગારનો કેસ ના કરવા અને દરોડામાં બીજા લોકોના નામ દર્શાવી દઈશું કહીને નાણાં માંગેલાં. મહિપતે તીરથ પાસે પંદર લાખ અને ગોહિલે વિમલ પાદરીયા પાસે બાર લાખ માગેલાં. વાતચીત મુજબ વિમલ પાદરીયાએ રાજકોટ રહેતાં તેના મિત્ર સુમિત અકબરીને ફોન કરીને રોકડાં બાર લાખ મગાવેલાં. સુમિતે આ નાણાં કોન્સ્ટેબલ કૃષ્ણરાજને આપી દીધેલાં.

નામ બદલવા, ઝડપી જામીનમુક્તિ પેટે ૪૧ લાખનો તોડ

બાર લાખ રોકડાં મળ્યાં બાદ ફોરચ્યુનર સહિત તમામ નવે જણને મધરાતે પોલીસ મથકે લઈ જઈ લૉકઅપમાં પૂરી દેવાઈને તેમના મોબાઈલ ફોન જપ્ત કરી લેવાયાં હતાં. મધરાતે તીરથના પિતા અશોકના વારંવાર ફોન આવવાનું શરૂ થયેલું. ગોહિલ અને મહિપતે તીરથને લૉકઅપમાંથી બહાર કાઢી, બહાર રોડ પર લઈ જઈને દમ મારેલો કે ‘બોલ શું કરવું છે? તને લૉકઅપ પૂરીને તારા બાપને વીડિયો કૉલ કરીને બતાડું કે તું જુગાર રમતાં પકડાયો છે?’

ગોહિલ અને મહિપતે રેઈડમાં ખોટું નામ દર્શાવવા બદલ, સવારે ન્યૂઝ મીડિયામાં સમાચાર પ્રસારિત થાય તે અગાઉ તમામને ઝડપથી જામીન પર મુક્ત કરી દેવા બદલ અને તેમના મહત્વના ફોન દરોડા કામે જપ્ત નહીં કરવા બદલ વ્યક્તિદીઠ ૬ લાખ લેખે ૫૪ લાખ રૂપિયાની લાંચ આપવા માંગણી કરીને તીરથને ફરી લૉકઅપમાં પૂરી દીધો હતો.

તીરથે ઝડપાયેલાં અન્ય લોકો સાથે વાતચીત કરીને ૪૧ લાખ રૂપિયા આપવાની સહમતિ દર્શાવેલી. આંકડો નક્કી થયાં બાદ તીરથે તેના મિત્ર પંકજ દેત્રોજાને રોકડાં રૂપિયા લઈને પોલીસ સ્ટેશને બોલાવેલો. પંકજે રાત્રે જ ૪૧ લાખ રોકડાં રૂપિયા ભરેલો થેલો લઈ આવીને પોલીસ કર્મચારીઓને આપી દીધો હતો.

વિમલ પાસે ફરી દસ લાખનો તોડ કર્યો

ગોહિલ અને મહિપતે તીરથ બાદ વિમલ પાદરીયા પાસે ચોપડે નામ બદલીને ઝડપથી જામીન કરાવી આપવાના નામે વધુ દસ લાખ માંગેલાં. વિમલ પાદરીયાએ તેના મિત્ર સુમિત મારફતે રાત્રે જ દસ લાખની વ્યવસ્થા કરીને ગોહિલની હાજરીમાં હેડ કોન્સ્ટેબલ મહિપતને આપી દીધાં હતાં. તોડ થયા બાદ ફરિયાદમાં તીરથ અશોકભાઈ ફળદુના બદલે રવિ મનસુખભાઈ પટેલ (રહે. રવાપર, મોરબી), વિમલ રામજીભાઈ પાદરીયાની ખોટી અટક પટેલ દર્શાવાયેલી. ભાસ્કર પારેખ નામના શખ્સનું સરનામું ખોટું લખીને, મોબાઈલ ફોન પરત આપીને તેના ડ્રાઈવર ગોપાલનો ફોન ચોપડે પર કબજે કરાયો હતો. જો કે, સમગ્ર રેઈડ જ બોગસ હોવાનું અને ખોટાં આધાર પૂરાવા ઊભાં કરીને ગોહિલ અને મહિપતે તોડ કર્યો હોવાનું ખૂલ્યું છે.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં