કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉમાં ત્રણ અજાણ્યા બાઈકસવાર લૂંટારુઓ શિક્ષક પર છરી વડે હુમલો કરીને 60 હજારની કિંમતનો મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયાં છે. બનાવ અંગે ભચાઉ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા ચોમેર પ્રયાસો હાથ ધર્યાં છે. 33 વર્ષિય જયદીપભાઈ ચીકાણી ભચાઉના લુણવા ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને ભચાના ભવાનીપુરની પટેલ સોસાયટીમાં રહે છે. ગત રાત્રે સાડા દસના અરસામાં તે જમીને નિત્યક્રમ મુજબ ઘર પાસે આવેલી નર્મદા કેનાલ બાજુ ટહેલવા નીકળ્યાં હતા. કેનાલની પાળીએ બેસીને મોબાઈલ ફોન જોતા હતા ત્યારે ત્રણ અજાણ્યા બાઈકસવારોએ આવીને તેમને ઘેરી લીધાં હતાં. બે જણે ફરિયાદીને પકડી રાખ્યો હતો અને ત્રીજાએ હાથમાં રહેલો ફોન ઝૂંટવી લીધો હતો. ફરિયાદીએ પ્રતિકાર કરવા પ્રયાસ કરતાં લૂંટારુઓએ તેમના માથામાં છરી મારી દેતાં ઘવાયાં હતાં. લૂંટ બાદ ત્રણે બાઈક પર નાસી છૂટ્યાં હતાં.
Share it on
|