કચ્છખબરડૉટકોમ, વડોદરાઃ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે હરિયાણાથી ગાંધીધામ મોકલાઈ રહેલો ૬૨.૧૯ લાખનો શરાબનો જથ્થો વડોદરાની ભાગોળે છાણી પાસેથી ઝડપી પાડ્યો છે. લાકડાના ભૂસાના કોથળાઓની ઓથે બંધ બોડીના કન્ટેઈનર ટ્રકમાં શરાબનો જથ્થો છૂપાવાયો હતો. માલ મોકલનારના નામ બહાર આવ્યા છે પરંતુ માલ કોને મળવાનો હતો તેનું નામ સ્પષ્ટ થઈ શક્યું નથી. બાતમીના આધારે SMCની ટીમે આણંદ તરફ જતા નેશનલ હાઈવે પર દુમાડ ચોકડીએ દારુ ભરેલી ટ્રક ઝડપી હતી.
ટ્રક ડ્રાઈવરે ટ્રકમાં લાકડાંનું ભૂસું ભરેલું હોવાનું જણાવી માલ ઔરંગાબાદથી ગાંધીધામ આપવા જઈ રહ્યો હોવાનું જણાવી બિલ્ટી બતાવી હતી.
જો કે, બાતમી સચોટ હોઈ SMCએ ભૂસું ભરેલાં મિણીયાના કોથળા કઢાવતાં તેની પાછળ છૂપાવેલી ૬૨.૧૯ લાખના દારૂની ૩૯૮ પેટીઓ મળી આવી હતી. ટ્રકમાંથી દારુ ઉપરાંત ૩.૫૭ લાખનું ભૂસું ભરેલાં ૫૯૫ કોથળા, બે ફોન, ૧૫ લાખનું વાહન મળી કુલ ૮૦.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
પુત્રની સ્કુલ ફી ભરવાની બાકી હોઈ ખેપ મારી
ડ્રાઈવર સતવીરસિંઘ વાલ્મીકિ (રહે. ઝજ્જર, હરિયાણા)એ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તે વર્ષોથી ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ઝજ્જરમાં તે અવારનવાર ટાયર પંક્ચર રીપેરીંગ અને સર્વિસની દુકાને જતો હતો અને દુકાનદાર ઋષિરાજ સાથે તેનો પરિચય થયેલો.
ઋષિરાજ ગુજરાતમાં દારૂની ખેપ મારવા ઈચ્છતાં ડ્રાઈવરોને સારું મહેનતાણું આપતો હતો.
પુત્રની સ્કુલ ફી ભરવાની હોઈ નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેણે ઋષિરાજને દારૂની ખેપ મારવા તૈયાર હોવાનું જણાવેલું. જેથી ઋષિરાજ સતવીર અને કો ડ્રાઈવર મનજીત શર્માને ટ્રક આપી સોનીપત લઈ ગયેલો.
દારૂની ટ્રકની આપ-લે માટે ‘જયશ્રી રામ’નો કોડવર્ડ
ઋષિરાજે ડ્રાઈવરને જણાવેલું કે સોનીપતની હાઈવે હોટેલ પર ટ્રક લઈને રાહ જોજે. એક માણસ આવશે અને ‘જયશ્રી રામ’ એવો કોડવર્ડ બોલે એટલે તેને ટ્રક સોંપી દેજે. આ માણસ ટ્રકમાં માલ લોડ કરીને પરત હોટેલ પર આપી જશે. બીજા દિવસે કો ડ્રાઈવર મનજીત શર્માને ઋષિરાજના પાર્ટનર રાકેશ જાટે આજે માણસ આવીને ટ્રકમાં માલ લોડ કરી આપશે તેમ જણાવેલું. સૂચના મુજબ અજાણ્યો માણસ ટ્રક લઈ ગયેલો અને ભૂંસાની આડમાં શરાબ લોડ કરીને ટ્રક આપી ગયો હતો. ઋષિરાજે સતવીરને ફરી ઝજ્જર બોલાવી ગાંધીધામથી ઔરંગાબાદની બિલ્ટી આપી હતી.
ગાંધીધામના બૂટલેગરનું નામ ના ખૂલ્યું
ઋષિરાજે સતવીરને જણાવેલું ગાંધીધામ પહોંચવાના ૨૦ કિલોમીટર પહેલાં મને ફોન કરી જાણ કરજે. જેથી માલ કોને ક્યાં આપવાનો છે તેની વિગત જણાવીશ. દારૂની આ ખેપ પેટે સતવીર અને સહ ડ્રાઈવર મનજીત શર્માને ૩૦ હજાર રૂપિયા મહેનતાણું મળવાનું હતું, જે બેઉ જણ અડધું અડધું વહેંચી લેવાના હતા. ઝડપાયેલાં બેઉ ડ્રાઈવર સહિત દારૂ મોકલનાર ઋષિરાજ અને તેના પાર્ટનર રાકેશ જાટ, ટ્રકના માલિક, માલ મગાવનાર ગાંધીધામના અજાણ્યા બૂટલેગર વગેરે સામે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ ેછે.
Share it on
|