કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ મુંદરાના જાન્યુઆરી ૨૦૨૧ના ચકચારી કસ્ટોડિયલ ડેથના ગુનામાં ગુજરાત હાઈકૉર્ટે ગ્રામ રક્ષક દળના જવાનને જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. ઘરફોડ ચોરીના કથિત બનાવ અંતર્ગત મુંદરા પોલીસના ડી સ્ટાફે ત્રણ ગઢવી યુવકોને વારાફરતી ઉપાડીને પોલીસ સ્ટેશનમાં અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો. જેમાં બે યુવકોના મૃત્યુ નીપજ્યાં હતાં. આ ગુનામાં મુંદરાના પાંચ પોલીસ કોન્સ્ટેબલ, જીઆરડી જવાન, પીઆઈ, સમાઘોઘા ગામના સરપંચ જયવીરસિંહ, સ્થાનિક આગેવાન નરવીરસિંહ સરવૈયા વગેરેની વારાફરતી ધરપકડ થયેલી.
આ ગુનામાં ૨૫-૦૧-૨૦૨૧થી જેલમાં બંધ ગ્રામ રક્ષક દળના જવાન વિરલ ઊર્ફે મારાજ જીતેન્દ્રભાઈ જોશીએ હાઈકૉર્ટમાં કરેલી જામીન અરજીને ગ્રાહ્ય રાખીને આજે જસ્ટીસ હસમુખ સુથારે તેને મુક્ત કરવા હુકમ કર્યો છે. અગાઉ ૧૫ ઓક્ટોબરે કેસના સહઆરોપી શંભુ દેવરાજ જરૂએ સુપ્રીમ કૉર્ટમાં કરેલી અરજીને ગ્રાહ્ય રાખીને કૉર્ટે તેને જામીન પર છોડવા હુકમ કરેલો.
શંભુ જરૂની અરજીને આધાર બનાવીને વિરલ જોશીના વકીલોએ કૉર્ટમાં દલીલ કરી હતી કે ગુનામાં શંભુ કરતાં વિરલ જોશીની ભૂમિકા ઓછી ગંભીર છે. કેસની તપાસ પૂરી થઈ ગઈ છે. કોઈ રીકવરી કે ડિસ્કવરી બાકી નથી. ટ્રાયલ ચાલું થઈ ગઈ છે. કૉર્ટે પણ બંને પક્ષની દલીલો અને રેકર્ડ જોઈને જણાવ્યું કે ૧૯૭ સાક્ષીઓમાંથી મોટાભાગનાની જુબાની લેવાઈ ગઈ છે, આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. પેરીટીના આધાર પર જામીન મેળવવા હક્કદાર છે. કૉર્ટે વ્યક્તિગત સ્વતંત્રના બંધારણિય અધિકારને આધાર બનાવી ‘બેઈલ ઈઝ ધ રૂલ એન્ડ જેલ ઈઝ ધ એક્સેપ્શન (જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ) છે’ની પ્રખ્યાત ઉક્તિ ટાંકીને જામીન પર છોડવા હુકમ કર્યો છે.
કૉર્ટની મુદ્દત અને દર મહિને મુંદરા પોલીસ સ્ટેશનમાં એક વખત હાજરી પૂરાવવા સિવાય ભુજ અને મુંદરામાં નહીં પ્રવેશવાની કૉર્ટે શરત રાખી છે.
Share it on
|