કચ્છખબરડૉટકોમ, મુંબઈઃ ભુજ મુંબઈ વચ્ચે દોડતી સયાજીનગરી એક્સપ્રેસ ઑટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ કવચથી સજ્જ વેસ્ટર્ન રેલવે ઝોનની પહેલી ટ્રેન બની છે. કવચથી સજ્જ સયાજીનગરીને શુક્રવારે મુંબઈના વિરારથી રેલવે અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું. સયાજીનગરી એક્સપ્રેસ કવચ પ્રોટેક્શન સિસ્ટમના અત્યાધુનિક ફોર પોઈન્ટ ઝીરો વર્ઝનથી સજ્જ છે. મુંબઈના વિરારથી સુરત અને વડોદરા સુધીનું ૩૪૪ કિલોમીટર લાંબું અંતર કવચથી સજ્જ બન્યું છે.
રસ્તામાં આવતાં નાનાં મોટાં ૪૯ રેલવે સ્ટેશન, ૫૭ રેડિયો કોમ્યનિકેશન ટાવર્સ અને ૭૦૦ કિલોમીટર લાંબા ઓપ્ટિકલ ફાઈબરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સહારે ટ્રેન કવચથી સજ્જ થઈ છે. વડોદરાથી અમદાવાદ વચ્ચેના ૯૬ કિલોમીટરનું રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લાં એક વર્ષથી કવચથી સુસજ્જ છે. આમ, સયાજીનગરી વિરારથી અમદાવાદ સુધીના કુલ ૪૩૫ રૂટ કિલોમીટર પર કવચની સ્વચાલિત સુરક્ષા પ્રણાલિથી સજ્જ થઈ છે.
સ્વદેશી એડવાન્સ્ડ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે કવચ
ટ્રેનો વચ્ચેના અકસ્માતોને અટકાવવા માટે ભારતીય રેલવેએ સ્વદેશી ધોરણે ‘કવચ’ સિસ્ટમને ડેવલોપ કરી છે. જીપીએસ, રેડિઓ કોમ્યુનિકેશન અને ટ્રેનમાં રહેલા ઓનબોર્ડ માઈક્રોપ્રોસેસરના સંકલનથી ટ્રેનને આ સુરક્ષા પ્રાપ્ત થાય છે. એન્જિન ડ્રાઈવરની માનવીય ભૂલથી ટ્રેન ભયજનક સિગ્નલ પસાર કરીને આગળ ધપે કે એક જ ટ્રેક પર બે ટ્રેન ધસમસતી સામસામે આવી જાય, ઓવર સ્પીડીંગના કારણે સુરક્ષા જોખમાય તેવા સંજોગોમાં ઑટોમેટિક રીતે ટ્રેન થોભી જાય છે.
ખરાબ વાતાવરણ અને લો વિઝિબિલીટીના સંજોગોમાં પણ આ સિસ્ટમ ખૂબ ઉપયોગી બની રહે છે.
આવા સંજોગોમાં લેવલ ક્રોસિંગ પર ટ્રેનની વ્હિસલ આપોઆપ વાગતી રહે છે. કવચ એક સ્વદેશી એડવાન્સ્ડ સેફ્ટી ટેકનોલોજી છે અને ખૂબ કિફાયતી છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા આગામી સમયમાં ૧૪૩૫ કરોડના ખર્ચે અન્ય સેક્શનના ૨૬૬૭ રૂટ કિલોમીટરને કવચથી આવરી લેવાનું આયોજન છે.
તબક્કાવાર તમામ બ્રોડગેજ નેટવર્કમાં કવચ અમલી બનાવાશે. દેશમાં હાલ જુદાં જુદાં પાંચ રેલવે ઝોનમાં કુલ ૧૩૦૬ કિલોમીટરના ટ્રેકને કવચથી સજ્જ કરી દેવાયાં છે.
Share it on
|