કચ્છખબરડૉટકોમ, રાજકોટઃ માર્કેટ કરતાં વીસથી પચ્ચીસ ટકાના ઓછાં ભાવે સોનું આપવાની લાલચ આપી રાજસ્થાનના વેપારીને ભુજ બોલાવી છરીની અણીએ સાત લાખ રૂપિયા રોકડાં લૂંટી લેનારી ચીટર ચોકડીને રાજકોટ SOGએ ઝડપી પાડી છે. ભુજના ચીટરોએ ગત ૯મી તારીખે લૂંટ કરેલી અને બનાવ અંગે વેપારીએ ૧૩મી જાન્યુઆરીએ ભુજના રમજાનશા કાસમશા શેખ તથા અમનશા જમાલશા શેખ સહિત ચાર લોકો સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધ્યાં બાદ પોલીસે તપાસ હાથ ધરતાં આ ટોળકી સૌરાષ્ટ્ર તરફ નાસી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન, ચારે જણ લૂંટમાં વાપરેલી ક્રેટા કાર લઈને સોમવારે રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલી ગેબનશાપીરની દરગાહે માથું ટેકવવા આવતાં હોવાની બાતમી મળતાં રાજકોટ SOGએ વૉચ ગોઠવી ચારેને દબોચી લીધાં હતાં.
આરોપીઓ પાસેથી પોલીસે ૨.૩૫ લાખ રોકડાં, ૧૨ લાખની ક્રેટા કાર, ૫ મોબાઈલ ફોન મળી ૧૪.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછતાછમાં બહાર આવ્યું કે લૂંટ આચર્યાં બાદ ચારે ચીટરો સાસણ ગીર ફરવા જતાં રહ્યાં હતાં. ત્યાંથી રાજકોટ આવી અજમેર જવાની ફિરાકમાં હતાં.
પોલીસે પકડેલાં શખ્સોમાં રમજાન અને અમન ઉપરાંત અલીશા કરીમશા શેખ અને ઈસબશા અલીશા શેખનો સમાવેશ થાય છે. ચારેય જણ ભુજના સરપટ ગેટ નજીક તુલસી મિલ પાછળ આવેલા શેખ ફળિયાના રહેવાસી છે. રમજાન, અમન અને અલી અગાઉ પણ ચીટીંગ, મારામારી, ઘરફોડ ચોરી, ધાકધમકી સહિતના વિવિધ ફોજદારી કેસમાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલાં છે.
Share it on
|