કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર-આદિપુરમાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ કરતી ગેંગને આખરે અંજાર પોલીસે દબોચી લીધી છે. ચાર જણની ગેંગ પૈકી બે આરોપી ૧૧ અને ૧૪ વર્ષના ટાબરીયા છે. બીજી તરફ, ફતેહગઢમાં રાત્રિ દરમિયાન જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર મધ્યપ્રદેશની તસ્કર ગેંગના બે જણને રાપર પોલીસે હળવદ અને અમરેલીથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અન્ય બે હાથ લાગ્યાં નથી.
અંજારની જૈન કોલોનીમાં ૧૦.૫૯ લાખની ઘરફોડ થયેલી
પાંચ દિવસ અગાઉ ગત શનિવારે નવા અંજારની જૈન કોલોનીમાં રહેતા એડવોકેટ પારસ મુલચંદાણીના ઘરમાંથી ૮.૯૯ લાખના સોના ચાંદીના ઘરેણાં, ચાંદીના વાસણો અને ૧.૬૦ લાખ રોકડાં મળી ૧૦.૫૯ લાખની કિંમતની માલમતાની ચોરી થતાં પોલીસ ચોંકી ઉઠી હતી.
પારસભાઈના પત્ની સવારે ૧૦થી ૧૨.૩૦ દરમિયાન જીમ ગયેલા તે દરમિયાન પાછલાં દરવાજાની કડી તોડીને ઘરમાં પ્રવેશેલાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરીના બનાવનો ભેદ ઉકેલવા રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીની સૂચના માર્ગદર્શન હેઠળ અંજારના પીઆઈ અજયસિંહ ગોહિલે પીએસઆઈ એસ.જી. વાળા સાથે મળી જુદી જુદી નવ ટીમ બનાવીને સૌને અલગ અલગ કામગીરી સોંપી હતી.
પોલીસે જ્યાંથી ચોરી થયેલી તે સોસાયટી અને આસપાસના વિસ્તારોના ૩૫૦ સીસીટીવી કેમેરાના ફૂટેજ એકઠાં કરી સઘન મોનિટરીંગ શરૂ કરેલું.
સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કરોનું પગેરું મળેલું. સીસીટીવીના આધારે પોલીસ પગેરું દબાવતાં દબાવતાં ગાંધીધામના ખોડિયારનગર પહોંચી હતી. તસ્કરો આઈડેન્ટીફાય થઈ ગયાં બાદ તેમને બાઈક પર ચોરીનો માલ લઈને સગેવગે કરવા જતી વેળા મેઘપર કુંભારડી બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લીધા હતાં.
ધોળા દિવસે બંધ મકાનના પાછલાં દરવાજેથી પ્રવેશતાં
પોલીસે ઝડપેલાં અજય પોપટભાઈ દેવીપૂજક (ઉ.વ. ૧૯) અને મુકેશ વિનોદભાઈ દેવીપૂજક (ઉ.વ. ૨૦) બેઉ મૂળ ડીસાના રહેવાસી છે. થોડાંક મહિનાથી તેઓ ખોડિયાનગરમાં સંબંધીના ઘેર આવેલાં. સંબંધીના બે ટાબરીયા સાથે મળીને તેમણે ચોરી કરવાનું શરૂ કરેલું. આ ગેંગ બંધ મકાનોની રેકી કરીને, મકાનના પાછલાં બારણેથી અંદર પ્રવેશ કરી ચોરીઓ કરે છે. અંજાર પોલીસે ગેંગ પાસેથી રોકડાં ૧.૧૩ લાખ અને અન્ય ચોરેલાં ઘરેણાં, વાસણો વગેરે મળી ૮.૭૧ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે.
આદિપુરની ૭.૪૦ લાખની ઘરફોડનો ભેદ પણ ઉકેલાયો
૦૯-૧૧-૨૦૨૫ના રોજ અંતરજાળના ઘનશ્યામનગરમાં રહેતા બાબુભાઈ હમીરભાઈ આહીરના ઘરમાં પણ ૫.૭૦ લાખના ઘરેણાં અને ૧.૭૦ લાખ રોકડાં મળી ૭.૪૦ લાખ રૂપિયાની ચોરી કરેલી. બાબુભાઈ સવારે સાડા દસ વાગ્યે ઘરને લૉક મારીને પત્ની સાથે નંદગામમાં કથા સાંભળવા ગયેલાં. ત્યારબાદ આ ટોળકીએ ઘરના પાછલા દરવાજાથી અંદર પ્રવેશ કરીને ચોરી કરી હતી. તેમની પાસેથી પોલીસે દોઢ લાખની એક બંગડી રીકવર કરી છે.
ફતેહગઢમાં ચોરી કરનાર MPના બે ચોર ઝડપાયાં
અંજારની જેમ રાપર પોલીસે પણ ફતેહગઢ ગામે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી ચોરી કરવાના ગુનાનો ભેદ સીસીટીવી ફૂટેજના આધારે ઉકેલીને મૂળ મધ્યપ્રદેશની ગેંગના બે ચોરની ધરપકડ કરી છે. પોલીસે પકડેલો મુકેશ આમલીયાર અને રમેશ બઘેલ બેઉ એમપીના વતની છે.
બેઉ જણ તેમના અન્ય બે સાગરીતો ભાયો ઊર્ફે રોહિત વેસુનીયા અને જીતેન્દ્ર મંડોલી સાથે મળીને ચોરીઓ કરે છે. આ ગેંગ છૂટક મજૂરીના નામે હળવદ, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આવતી. પોતાના વિસ્તારના બંધ મકાન અને દુકાનની રેકી કરીને ચોરીને અંજામ આપી પરત વતન નાસી જતી.
પોલીસે મુકેશને હળવદથી અને રમેશને અમરેલીથી ઝડપી પાડીને એક મોટર સાયકલ અને ૪૩ હજારની કિંમતના ચાંદીના વિવિધ દાગીના રીકવર કર્યાં છે. કામગીરીમાં રાપર પીઆઈ જે.બી. બુબડીયા, પીએસઆઈ વી.એચ. કાતરીયા અને રાપર પોલીસનો સ્ટાફ જોડાયો હતો.
Share it on
|