|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના જદુરા ગામના સીમાડે કુહાડી વડે ૩૮ વર્ષિય પત્નીની હત્યા કરનારા પતિને ભુજ સેશન્સ કૉર્ટે સખ્ત આજીવન કેદની સજા સાથે બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હત્યાનો બનાવ ૦૨-૧૨-૨૦૨૪ની સવારે સાડા આઠના અરસામાં બન્યો હતો. જદુરા ગામે રહેતો સિધિક ઊર્ફે જુમલો ઉમર થેબા તેની પત્ની મુમતાઝ અને દીકરી મહેક સાથે ગામના સીમમાં લાકડાં વીણવા નીકળ્યો હતો. દરમિયાન, સિધિકને કોઈ અજાણી સ્ત્રીનો ફોન આવેલો. કોનો ફોન હતો? પત્નીએ પૂછ્યું તો ઉશ્કેરાઈને હત્યા કરી
સિધિકની વાત પૂરી થયાં બાદ પત્ની મુમતાઝે કોનો ફોન હતો? કોની જોડે વાતો કરતો હતો? તેવું પૂછતાં સિધિક ઉશ્કેરાઈ ગયેલો. સિધિકે હાથમાં રહેલી કુહાડી પત્નીના માથા, કપાળ અને પગમાં ઝીંકી દીધી હતી.
પોતાની નજર સમક્ષ માતા પર હેવાન બનીને તૂટી પડેલાં પિતાને જોઈ દીકરી મહેક ડરીને નજીકની વાડીમાં નાસી ગઈ હતી. ગંભીર ઈજાના લીધે મુમતાઝનું મૃત્યુ નીપજ્યું હતું.
હત્યાના આ બનાવની માનકૂવાના તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર ધર્મેશ એન. વસાવાએ તપાસ કરેલી. સિધિક વિરુધ્ધ ૨૭ દસ્તાવેજી પુરાવા અને ૮ સાક્ષીઓ રજૂ કરાયેલાં. ટ્રાયલ દરમિયાન હત્યાને નજરે જોનાર સાક્ષી એવી આરોપીની દીકરી મહેક જુબાનીમાંથી ફરી ગઈ હતી.
અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીની તર્કબધ્ધ દલીલો તથા સાંયોગિક પૂરાવાના આધારે ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજ વિરાટ એ. બુધ્ધે સિધિકને હત્યા બદલ દોષી ઠેરવી સખ્ત આજીવન કેદની સજા સાથે બે લાખનો દંડ ફટકાર્યો છે.
જો દંડ ના ભરે તો વધુ ત્રણ વર્ષની કેદ ભોગવવા હુકમ કર્યો છે.
Share it on
|