click here to go to advertiser's link
Visitors :  
16-Sep-2025, Tuesday
Home -> Other -> Roll back fee hike in GMERS colleges Demands Congress State President
Monday, 08-Jul-2024 - Ahmedabad 25062 views
ભાજપ સરકારના ફી વધારાથી ગરીબ મધ્યમ વર્ગના છાત્રોનું ડૉક્ટર બનવાનું સપનુ રોળાશે
કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ ૧૪ વર્ષ અગાઉ ગુજરાતમાં રાજ્ય સરકારે ‘ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટીની રચના કરવામાં આવેલી. તે સમયે સરકારે એવી જાહેરાત કરેલી કે ‘ઓછી ફીમાં ડૉક્ટરો તૈયાર કરવામાં આવશે, જે ગુજરાતની આરોગ્ય સેવાને મદદરૂપ થશે’ તાજેતરમાં આ જ સરકારે ૧૩ GMERS મેડીકલ કોલેજોની મેડીકલની ફીમાં ૬૭થી ૮૮% ટકા સુધીનો વધારો ઝીંકી દીધો છે. કોંગ્રેસે આ ફી વધારાનો સખત વિરોધ કર્યો છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે ફી વધારાના લીધે વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મૂકાઈ ગયાં છે.

નીટના ઊંચા સ્કોરના આધારે જે છાત્રોને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ છાત્રો અને તેમના વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન સર્જાયો છે.

ગોહિલે આ તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવા મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને રજૂઆત કરી છે. જેથી સામાન્ય અને મધ્યમ વર્ગના તેજસ્વી છાત્રોનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે. ગુજરાતમાં મોટા પાયે ડૉક્ટરો, સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીસ સહિતના તબીબી ક્ષેત્રે માનવબળની મોટાપાયે ઘટ છે. 

ગુજરાતના મેડીકલ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જોતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારી ક્વોટામાં ૬૭%, મેનેજમેન્ટ ક્વૉટામાં ૮૮% અને NRI ક્વૉટામાં ૩ હજાર ડોલરના અસહ્ય ફી વધારાને કારણે ડોક્ટર બનવું મુશ્કેલ બનશે.

ગોહિલે આરોપ કર્યો છે કે સરકારી મેડિકલ કોલેજની ફીને લઈ ગત વર્ષની માફક આ વખતે વાલીઓનો વિરોધ જ ન થાય તેવા બદઈરાદાપૂર્વક સરકારે પ્રવેશ પહેલાં જ તોતિંગ ફી વધારો જાહેર કર્યો છે.

સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધી વાર્ષિક ૩.૩૦ લાખ રૂપિયા ફી લેવાતી હતી જેમાં ૬૬.૬૬%ના વધારા સાથે ફીનો આંકડો સાડા પાંચ લાખ પર પહોંચ્યો છે. મેનેજમેન્ટ ક્વૉટાની ફી ૯ લાખથી ૮૮.૮૮% વધારીને ૧૭ લાખ કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે મેડીકલ કોલેજોની ફીમાં ગત વર્ષે ર૦ જુલાઈના રોજ જે ફી વધારા સાથેનો પરિપત્ર પ્રસિધ્ધ કરાયો હતો તેમાં માત્ર તારીખ જ બદલવામાં આવી છે, બાકી કોઈ ફેરફાર કરાયો નથી! એક તરફ દિવસે ને દિવસે મેડીકલનું શિક્ષણ મોઘું થઈ રહ્યું છે. ગરીબ અને સામાન્ય વર્ગના બાળક માટે ડોક્ટર બનવું એક માત્ર સપનું જ છે, ત્યારે હવે ફરી તોતિંગ ફી વધારો ઝીંકી સામાન્ય-મધ્યમ પરિવારના બાળકો માટે પણ તબીબી-શિક્ષણનો રસ્તો સાવ બંધ કરી દેવાયો છે. આગામી દિવસોમાં ફી વધારો પાછો નહિ ખેંચાય તો કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. આંદોલન કરશે.

Share it on
   

Recent News  
ભીમાસરમાં યુવકની ઘાતકી હત્યાનો બનાવઃ પત્નીએ પ્રેમીને કહી પતિની ‘સોપારી’ અપાવેલી
 
ત્રગડી અને ખાનાયના બૂટલેગરોએ કન્ટેઈનરમાં ભરીને ઠાલવેલો વધુ ૧.૨૯ કરોડનો શરાબ જપ્ત
 
ગાંધીધામના વૉક વેના ૧૧૩ દબાણો ધ્વસ્ત થયાંઃ ભુજમાં ૪૫ લાખની જમીન દબાણમુક્ત