|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઑગસ્ટ ૨૦૨૨માં રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરવાના આરોપસર માંડવીના તત્કાલિન શહેર ભાજપ પ્રમુખ દેવાંગ અનંતરાય દવે વિરુધ્ધ માંડવી કૉર્ટમાં કરાયેલી પ્રાઈવેટ ફરિયાદને ફગાવી દેવાના હુકમને સેશન્સ કૉર્ટે રદ્દ કર્યો છે. સેશન્સ જજે આકરી ટીકા સાથે હુકમને રદ્દ કરીને નવેસરથી કૉર્ટ ઈન્ક્વાયરી કરવા હુકમ કર્યો છે. નીચલી કૉર્ટના હુકમ સામે સેશન્સમાં કરાયેલી રિવિઝન અરજી અન્વયે કૉર્ટે આ હુકમ કર્યો છે. દેવાંગ દવે સામે રાષ્ટ્ર ધ્વજના અપમાનનો આરોપ
માંડવીના ૫૨ વર્ષિય હિતેશ ભગવાનજી સોનીએ દેવાંગ દવે વિરુધ્ધ કૉર્ટમાં પ્રાઈવેટ ફરિયાદ દાખલ કરેલી. ફરિયાદમાં સોનીએ આરોપ કર્યો હતો કે માંડવી શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ સિંચાઈ મંત્રી સ્વ. અનંતરાય દવેના પુત્ર દેવાંગ દવે દ્વારા માંડવી કંસારા બજાર, સોની બજાર, મોચી બજાર તેમજ અન્ય જાહેર સ્થળોએ ‘આઝાદી અમૃત મહોત્સવ’ નિમિત્તે ‘હર ઘર તીરંગા’ના રાષ્ટ્ર ધ્વજ વિતરણ કરવાનો પોતાની સસ્તી રાજકીય પ્રસિધ્ધિ કરીને પોતાનો રાજકીય લાભ ખાટવા માટે રાષ્ટ્ર ધ્વજ સન્માન આધારીત નીતિ નિયમો નેવે મૂકી ફિલ્મી પોસ્ટરની જેમ એક હાથે પકડી ફોટા પડાવવા તથા મોચી બજાર મધ્યે ધર્મેશ ફૂટવેરની દુકાને કેસરી રંગ નીચેની તરફ ઊંધો રાષ્ટ્ર ધ્વજ રાખી ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો ગુનો આચરેલો હતો.
માંડવી પોલીસે ફરિયાદ ના નોંધતા કૉર્ટમાં ફરિયાદ
આ અંગે ફરિયાદ નોંધવા માંડવી પોલીસ અને એસપીને અરજદારે રજૂઆત કરેલી પરંતુ પોલીસે ફરિયાદ દાખલ ના કરતાં માંડવી કૉર્ટનો આશરો લીધેલો. માંડવી કૉર્ટે પ્રિવેન્શન ઑફ ઈન્સલ્ટ ટૂ નેશનલ ઑનર એક્ટની કલમ બે હેઠળ ફરિયાદ દાખલ કરીને પોલીસને ૬૦ દિવસમાં તપાસ કરી રીપોર્ટ રજૂ કરવા હુકમ કરેલો.
પોલીસ રીપોર્ટના આધારે કૉર્ટે ફરિયાદ રદ્દ કરેલી
આ મામલે પોલીસે ૦૧-૦૬-૨૦૨૩ના રોજ કૉર્ટમાં રીપોર્ટ રજૂ કરેલો કે અરજદારને વારંવાર નિવેદન નોંધાવવા માટે ફોન કરેલા પરંતુ તેમણે ફોન ઉપાડ્યાં નહોતા. એકવાર પોલીસ મથકે રૂબરૂ આવીને બે દિવસ પછી નિવેદન લખાવીશ તેમ કહેલું અને પછી કદી પરત આવ્યા નહોતા. આ કેસમાં અરજદારને વધુ કાર્યવાહીમાં રસ જણાતો નથી. પોલીસના રીપોર્ટના આધારે એડિશનલ ચીફ જ્યુ. મેજિસ્ટ્ર્ટે સ્વાતિ રાજબીરે ૦૭-૧૨-૨૦૨૪ના રોજ ફરિયાદને રદ્દ કરતો હુકમ કર્યો હતો.
ફરિયાદીએ સેશન્સમાં રિવિઝન કરી આ દલીલ કરી
લૉઅર કૉર્ટના હુકમ સામે હિતેશ સોનીએ સેશન્સમાં રિવિઝન ફાઈલ કરેલી. જેમાં રજૂઆત કરેલી કે પોલીસે તટસ્થ તપાસ કરી નથી. સ્વતંત્ર સાક્ષીઓના નિવેદન લીધા નથી. તપાસકર્તાએ તેમને લેખીત નોટિસ પાઠવી જ નહોતી કે તેમના ઘરે નિવેદન લખવા આવ્યા નહોતા, કેવળ બે વખત ફોન કરેલો. કૉર્ટે ફરિયાદીએ રજૂ કરેલા પુરાવા અવગણીને ફક્ત પોલીસના રીપોર્ટના આધારે ફરિયાદ રદ્દ કરી દીધી છે.
સેશન્સે વેધક ટીકા સાથે નીચલી કૉર્ટનો હુકમ રદ્દ કર્યો
સેશન્સ કૉર્ટે લૉઅર કૉર્ટના હુકમ અને બંને પક્ષની રજૂઆત સાંભળીને હિતેશ સોનીની અરજીને ગ્રાહ્ય રાખીને લૉઅર કૉર્ટનો હુકમ રદ્દબાતલ ઠેરવ્યો છે. સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડીઆએ જણાવ્યું કે ખરેખર તો પોલીસના રીપોર્ટ બાદ કૉર્ટે CrPC ૨૦૨ હેઠળ ઈન્ક્વાયરી કરીને રજૂ થયેલું મટિરીયલ, ફરિયાદી, સાક્ષીઓને તપાસવા જોઈતા હતા. કૉર્ટે પોલીસના રીપોર્ટને જ ‘પરમ સત્ય (Gospel Truth)’ માનીને ફરિયાદ રદ્દ કરતો હુકમ કર્યો છે જે સ્વીકાર્ય નથી તથા તે કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરુધ્ધમાં છે. ફરિયાદીને પુરાવા રજૂ કરવાની તક આપવી જોઈએ. સેશન્સ કૉર્ટે CrPC ૨૦૨ હેઠળ માંડવી કૉર્ટને નવેસરથી ફ્રેશ ઈન્ક્વાયરી કરવા હુકમ કર્યો છે.
Share it on
|