click here to go to advertiser's link
Visitors :  
14-Oct-2026, Wednesday
Home -> Other -> Police must reimburse jeweller for gold lost in custody Says High Court
Wednesday, 14-Oct-2026 - Ahmedabad 1356 views
પોલીસે જપ્ત કરેલો સોનાનો ઢાળિયો ખોવાયો! સોનાની રકમ ભરપાઈ કરવી જ પડેઃ હાઈકૉર્ટ
કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ૨૦૧૩માં ગુના કામે જપ્ત કરેલો ૨૦૫ ગ્રામ ૯૦૦ મિલિગ્રામ સોનાનો ઢાળિયો ગુમ થઈ જવાનો એક વર્ષથી ચાલતો વિવાદ હવે ગુજરાત હાઈકૉર્ટના દ્વારે પહોંચ્યો છે. હાઈકૉર્ટની ખંડપીઠે સરકારે સોનાનું વળતર તો આપવું જ પડે તેમ કહીને કન્ટેમ્પ્ટ પિટિશનની વધુ સુનાવણી ૨૮ ઓક્ટોબરે રાખી છે.
૨૦૧૩માં ગાંધીધામના બે સોની સામે ફરિયાદ થયેલી

ગાંધીધામમાં ફરજ બજાવતા રેલવેના લોકો પાયલટ પુરણસિંહ ચૌહાણની પત્ની રાધાબેન ચૌહાણે ડિસેમ્બર ૨૦૧૨માં ગાંધીધામના મહાકાલી જ્વેલર્સના પ્રફુલ્લ જયંતીભાઈ સોની (રહે. ચાવલા ચોક) અને બિપીનભાઈ બાબુભાઈ આડેસરા (સોની) સામે છેતરપિંડી વિશ્વાસઘાત, ધમકી આપ્યા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ  નોંધાવેલી.

રાધાબેને ફરિયાદમાં લખાવેલું કે તેમણે બંને આરોપીને ૨૧.૧૫ લાખની કિંમતના ૭૦૫ ગ્રામ સોના અને ૭૦ હજારની કિંમતના ૧ કિલો ચાંદીના ઘરેણા મળી ૨૧.૮૫ લાખના ઘરેણાં જરૂર પડ્યે ત્યારે પાછાં આપવાની શરતે રાખવા આપ્યાં હતા.

રાધાબેને આ ઘરેણાં પરત માગ્યા ત્યારે આરોપીઓએ પરત નહોતા કર્યાં અને મારી નાખવાની ધમકી આપેલી. પોલીસે ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૬ (૨) અને ૧૧૪ હેઠળ બેઉ સામે ફરિયાદ નોંધી હતી.

આ કેસમાં પોલીસે ૩૧-૦૧-૨૦૧૩ના રોજ મહાકાલી જ્વેલર્સમાંથી પ્રફુલ્લ સોની પાસેથી ૪.૭૦ લાખની કિંમતનો ૨૦૫ ગ્રામ ૯૦૦ મિલિગ્રામ સોનાનો ઢાળિયો જપ્ત કરેલો.

મુદ્દામાલ પાવતીમાં જપ્ત ઘરેણાંની વિગત અને મૂલ્ય લખવામાં આવેલું.

૨૦૨૫માં સમાધાન બાદ આરોપીઓ નિર્દોષ ઠરેલાં

આ કેસમાં આરોપી પ્રફુલ્લ સોનીએ ફરિયાદીને ૩.૫૦ લાખ રૂપિયા આપીને સહમતિથી સમાધાન કરેલું. કૉર્ટમાં ફરિયાદી રાધાબેને સંમતિથી સમાધાન થયું હોવાનું અને પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ પ્રફુલ્લ સોનીને પરત અપાય તેની સામે કશો વાંધો ના હોવાનું નિવેદન આપેલું. ૨૧-૦૮-૨૦૨૫ના રોજ ગાંધીધામના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ એમ.બી. ભાવસારે બેઉ આરોપીને નિર્દોષ જાહેર કરીને જપ્ત થયેલો મુદ્દામાલ પ્રફુલ્લ સોનીને પરત આપવાનો પોલીસને હુકમ કરેલો.

પોલીસે સોનાનો ઢાળિયો પરત આપવામાં હાથ અધ્ધર કર્યાં

પ્રફુલ્લભાઈ કૉર્ટનો હુકમ લઈને મુદ્દામાલ પરત લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે મુદ્દામાલ ખોવાઈ ગયો હોવાનું અથવા ક્યાંક આડોઅવળો મૂકાઈ ગયો હોવાનું જણાવી સોનાનો ઢાળિયો પાછો આપ્યો નહોતો. અરજદારે આ અંગે પૂર્વ કચ્છ એસપીને રજૂઆત કરતાં તેમણે અંજાર DySPને ઈન્કવાયરી સોંપેલી. DySPએ પણ મુદ્દામાલ મળતો ના હોવાનું જણાવી જવાબદાર અધિકારી સામે ખાતાકીય પગલાં લેવાની ભલામણ કરતો રિપોર્ટ રજૂ કરેલો.

હાઈકૉર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ થઈ

નીચલી કૉર્ટે કરેલા હુકમનો અનાદર કરીને પોલીસ મુદ્દામાલ પરત કરવામાં હાથ અધ્ધર કરી દીધા હોવાનું જણાવી અરજદારે એડવોકેટ એ.એ. ઝાબુઆવાલા વતી ગુજરાત હાઈકૉર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે.

કેસની વિગતો જાણીને હાઈકૉર્ટના ન્યાયમૂર્તિ એન.એસ. સંજય ગોવડા અને જે.એલ. ઓડેદરાએ મૌખિક હુકમ કરતાં જણાવ્યું કે છે ‘સરકારે સોનાની રકમ ભરપાઈ કરવી જ પડે તે સ્પષ્ટ છે’

સરકારી વકીલે વધુ એક સપ્તાહનો સમય માંગતા હાઈકૉર્ટે કેસની આગામી સુનાવણી ૨૮ ઓક્ટોબરે નિર્ધારિત કરી છે.

Share it on
   

Recent News  
અંજારના બે દાયકા જૂનાં ચકચારી રેડિયો બ્લાસ્ટ કેસમાં ‘જમ જેવા જમાઈ’ને જનમટીપ
 
મિત્રતા નિભાવવા હત્યા કેસની જુબાનીમાંથી બે મિત્ર ફરી ગયાં: બેઉને ૩ માસની કેદ
 
ભત્રીજાના બેરોજગાર સાળાને કામે રાખવો ભારે પડ્યો! ૨૫ લાખ લઈને ગાંધીધામથી ફરાર