click here to go to advertiser's link
Visitors :  
13-Oct-2026, Tuesday
Home -> Gandhidham -> Man Flees with Rs 25 Lakh Entrusted to Him by Scrap Trader in Gandhidham
Monday, 12-Oct-2026 - Gandhidham 683 views
ભત્રીજાના બેરોજગાર સાળાને કામે રાખવો ભારે પડ્યો! ૨૫ લાખ લઈને ગાંધીધામથી ફરાર
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ભંગારની લે-વેચનો ધંધો કરતાં ઉત્તર પ્રદેશના યુવાન વેપારીને, ભત્રીજાના બેરોજગાર સાળાને ૧૫ હજારના પગારે નોકરીએ રાખવો ભારે પડી ગયો છે. ભત્રીજાનો બેરોજગાર સાળો ૨૫ લાખ રોકડાં રૂપિયા ભરેલો થેલો લઈ નાસી જઈ થોડાંક દિવસો સુધી ફરાર રહ્યાં બાદ હવે રૂપિયા પરત આપતો નથી.

યુપીના ગૌતમ બુધ્ધનગરમાં રહેતો કાલુ રામસિંગ જાટવ (૨૧) અવારનવાર ગાંધીધામ આવીને, લોહાણા મહાજન વાડીમાં રૂમ રાખીને રોકાય છે. ગાંધીધામ આવી તે કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ભંગારની લે-વેચ કરે છે. એકાદ માસ અગાઉ કાલુ વતન ગયેલો ત્યારે તેને ભત્રીજો નાગેન્દ્ર ઊર્ફે નાગેશ મળેલો.

વાત-વાતમાં નાગેશે કાલુને કહેલું કે ‘મારો સાળો વિવેકકુમાર હજારીલાલ જાટવ (રહે. હાથરસ, યુપી) બેરોજગાર છે. તમે ભણેલાં નથી એટલે તેના કામે રાખી લો, ધંધાનો હિસાબ રાખશે’ કાલુએ વિવેકને મહિને પંદર હજાર રૂપિયાના પગારે પોતાની સાથે કામે રાખી દીધેલો.

કાલુ વિવેકને લઈને ગાંધીધામ આવેલો અને એક-બે દિવસ રોકાઈ વિવેકને લઈ પરત યુપી જતો રહેલો. કાલુને ધંધા માટે નાણાંની જરૂર હતી. ભાઈએ વતનનું ખેતર વેચતાં તેણે કાલુને ઉછીના ૨૫ લાખ રૂપિયા આપેલાં. ૧૨ લાખ કાલુને રોકડાં આપેલા અને ૧૩ લાખ રૂપિયા કેનેરા બેન્કના ખાતામાં જમા કરાવેલાં. બેન્કમાંથી ૧૩ લાખ રોકડાં કઢાવીને કાલુએ કુલ ૨૫ લાખ રૂપિયા એક બેગમાં ભરેલાં. ૩૧ ઑગસ્ટે કાલુ રૂપિયા ભરેલી બેગ સાથે વિવેકને લઈ કાર ભાડે કરીને દિલ્હીમાં મિત્ર રાજેશ પાસે આવેલો.

રાજેશ અને અન્ય મિત્ર યોગેશને પણ ગાંધીધામ ફરવા આવવાની ઈચ્છા હોઈ ચારે જણ તે જ દિવસે ટ્રેન મારફતે ગાંધીધામ આવવા નીકળેલાં.

૧ સપ્ટેમ્બરની સાંજે ચારે જણ ગાંધીધામ આવેલા અને કાલુ ચારેયને લોહાણા મહાજન વાડીમાં રાખેલા રૂમ પર લઈ આવેલો.

સૌ ફ્રેશ થયાં બાદ કાલુ રોકડાં રૂપિયા ભરેલી બેગ વિવેકના ભરોસે રાખીને રાજેશ અને યોગેશ સાથે ગણેશનગરમાં રહેતા મિત્ર હિતેશ ગરવાને મળવા ગયેલો.

કામસર કાલુ અને તેના મિત્રો રાત્રે હિતેશના જ ઘેર રોકાઈ ગયેલાં. પરોઢે પાંચ વાગ્યે હિતેશ ત્રણે જણને પોતાની કારમાં બેસાડીને પરત લોહાણા મહાજન વાડી મૂકી ગયેલો. કાલુ અને તેના બે મિત્રો રૂમ પર પહોંચ્યા તો રૂમને લૉક લાગેલું હતું. કાઉન્ટર પરથી ચાવી લઈને તેમણે રૂમને ખોલ્યો તો વિવેક અને રૂપિયા ભરેલી બેગ ગાયબ હતા.

કાલુએ તરત જ ભત્રીજા નાગેશને ફોન કરીને વાત જણાવી મિત્રો જોડે તત્કાળ યુપી જવા રવાના થઈ ગયેલો.  યુપી જઈને નાગેશ અને વિવેકના પિતાને રૂબરૂ મળીને સમગ્ર ઘટનાક્રમ જણાવેલો.

તેમણે કહેલું કે વિવેકનો હાલ કોઈ અતોપત્તો નથી. મળશે એટલે જાણ કરીને રૂપિયા તરત પાછાં આપી દઈશું. ૯ સપ્ટેમ્બરે વિવેક હરયાણાના રેવાડી હોવાનો પત્તો મળેલો અને નાગેશ તેને પરત હાથરસ લઈ ગયેલો. વિવેક પરત આવી ગયો હોવાની જાણ થયાં બાદ કાલુએ તરત જ પોતાના પૈસા પાછાં આપવા વાત કરેલી. પરંતુ, કાલુ અને તેના પરિવારજનોએ ‘કયા રૂપિયા?’ કહીને હાથ અધ્ધર કરી દીધાં છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિશ્વાસઘાત BNS ૩૧૬ (૪)ની કલમ તળે વિવેક જાટવ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
SOS ચિલ્ડ્રેન વિલેજમાં નિરાધાર બાળકો પર ‘મધર’ લતીફા બેગમનો અમાનુષી અત્યાચાર