click here to go to advertiser's link
Visitors :  
14-Oct-2026, Wednesday
Home -> Anjar -> Anjar Radio Bomb Blast Case: Estranged Son in law Sentenced to Life Imprisonment
Tuesday, 13-Oct-2026 - Anjar 1240 views
અંજારના બે દાયકા જૂનાં ચકચારી રેડિયો બ્લાસ્ટ કેસમાં ‘જમ જેવા જમાઈ’ને જનમટીપ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ બે દાયકા જૂનાં રેડિયો બ્લાસ્ટ કેસમાં અંજાર સેશન્સ કૉર્ટે આજે મુખ્ય આરોપીને દોષી ઠેરવીને સખ્ત આજીવન કારાવાસ સાથે ૭૦ હજારનો દંડ ફટકાર્યો છે. ૨૩ જાન્યુઆરી ૨૦૦૬ની સાંજે અંજારના ચાંદ્રાણી (કોટડા) ગામની સીમમાં ધનાભાઈ આહીરની વાડીમાં ભાગવે જીરુનું વાવેતર કરતાં અને વાડીમાં બનાવેલા ભુંગામાં રહેતો મૂળ રાપરના પદમપરનો કોળી પરિવાર રેડિયો બ્લાસ્ટનો ભોગ બન્યો હતો.

પરિવારના મોભી શામજીભાઈ રાયમલભાઈ કોલીએ પોલીસને જણાવેલું કે તે પત્ની અને બાળકો સાથે વાડીએ રહેતા હતા. સંતાનમાં ૩ પુત્ર અને ૬ દીકરી હતી. બનાવના દિવસની સવારે તેમના મોટા દીકરા મનજીને વાડીના પાણીના હોજ પાસે લીમડાના ઝાડ પાસેથી નાગપાલ કંપનીનો એક રેડિયો મળેલો. રેડિયો ભુંગામાં લઈ આવેલો.

રેડિયો જોતાં જ દીકરી સવિતા તેને ઓળખી ગયેલી. સવિતાએ કહેલું કે આ તો મારા પતિ લવજીનો  રેડિયો છે, તેને હું ઘણીવાર વગાડતી હતી.

સવિતાના ત્રણેક વર્ષ અગાઉ રાપરના ભીમાસર (ભુટકિયા)ના લવજી સંગ્રામ કોલી સાથે લગ્ન થયેલાં. લગ્નમાં મનમેળ ના આવતાં સવિતા પિયરે રીસામણે બેઠેલી અને સાત માસ અગાઉ તેના સામાજિક રાહે છૂટાછેડાં થયેલાં. રેડિયોને જેમનો તેમ મૂકી રાખી શેઠ આવે ત્યારે તેમને આપી દઈશું તેમ કહીને શામજી બીજા પુત્ર બચુને જીરુના પાકમાં જંતુનાશક દવા છાંટવામાં મદદ કરવા જતો રહેલો.

થોડીકવાર બાદ ભુંગામાં પ્રચંડ વિસ્ફોટ થયેલો. શામજી ત્યાં દોડી આવતાં ભુંગામાં પત્ની રામીબાઈ, પુત્ર શિવો, દીકરી સવિતા, શાંતિ, બચુની પત્ની શાંતિ અને પૌત્ર સુરેશ સહિત ૬ જણ લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતા. શામજીએ સવિતાને પૂછતાં તેણે જણાવેલું કે શિવાએ રેડિયોના વાયરો ચાર્જીંગ બેટરીમાં નાખીને ચાલુ કરતાં જ મોટો ધડાકો થયો હતો.

પોલીસની તપાસમાં સ્પષ્ટ થયેલું કે સવિતાથી છૂટાંછેડા થવાની અદાવતમાં પૂર્વ જમાઈ લવજી કોલીએ જ રેડિયો બ્લાસ્ટ થકી સવિતા અને તેના પરિવારને મારી નાખવાનું કાવતરું ઘડેલું.

દુર્ઘટનામાં શામજીભાઈના ૧૦ વર્ષના પુત્ર શિવાએ બંને આંખની દ્રષ્ટિ ગુમાવી હતી. એક દીકરીની એક આંખની દ્રષ્ટિ જતી રહેલી. અન્ય લોકોને શરીરે નાની મોટી ઈજાઓ થયેલી.

અંજાર પોલીસે લવજી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરેલી. તપાસમાં બહાર આવેલું કે લવજીએ શિવલખા વાંઢ (કિડિયાનગર, રાપર)ના વણવીર હરિભાઈ રાઠોડ પાસેથી કૂવો ગાળવા યા ડુંગરની શિલા તોડવા માટે વપરાતો વિસ્ફોટક ટોટો મેળવેલો.

ટોટાને સર્કિટ સાથે જોડીને એ રીતે બોમ્બ તૈયાર કરેલો કે જેવી કોઈ વ્યક્તિ રેડિયો ચાલુ કરવા સ્વિચ ઘૂમાવે તેની સાથે જ ધડાકો થાય.

બનાવના આઠ-દસ માસ અગાઉ લવજી આ જ લીમડાના ઝાડ નીચે ઝેર ભેળવેલું તેલ, ખાંડ, ચા અને કેરી મૂકી ગયેલો. જો કે, તેમાંથી વાસ આવતી હોઈ શામજીભાઈએ આ ખાદ્યપદાર્થો વાડીમાં ખાડો કરીને દાટી દીધેલાં. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરતાં ચાર બીડી મળી આવેલી.

પોલીસને આ મહત્વના પુરાવા મળેલાં

લવજી જે પ્લાસ્ટિકની થેલીમાં રેડિયો લઈને આવેલો તે થેલી પોલીસે કબજે કરેલી. ઘટનાસ્થળ આસપાસ માનવ પગલાંની છાપ મળતાં પોલીસે પગીની મદદ લઈને લવજીએ પહેરેલાં ચંપલ સાથે સરખાવતાં તેની સાથે સામ્યતા મળી આવેલી. ડેમોન્સ્ટ્રેશન પંચનામામાં પોતે કેવી રીતે રેડિયોમાં સર્કિટ સાથે વિસ્ફોટક પદાર્થ ગોઠવેલો તે પોલીસે નોંધ્યું હતું. ધરપકડના સાડા ત્રણ મહિના બાદ લવજી કોલી જામીન પર છૂટી ગયો હતો.

આ કેસમાં ૨૦ વર્ષ ૮ મહિના અને આજના ૨૧મા દિવસે અંજારના ચોથા અધિક સેશન્સ જજ જયેશ લીંબાભાઈ ચોવટીયાએ લવજીને એક્સ્પ્લોઝીવ્સ સબસ્ટન્સ એક્ટની કલમ ત્રણ હેઠળ સખ્ત આજીવન કારાવાસ સાથે પચાસ હજારનો દંડ ફટકાર્યો છે.

હત્યાના પ્રયાસ બદલ દસ વર્ષની સખ્ત કેદ સાથે વીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગુનામાં મદદગારી બદલ ફીટ થયેલાં વણવીર રાઠોડને નિર્દોષ છોડી મૂક્યો છે. દંડની રકમ વસૂલ થયે પચાસ ટકા રકમ પીડિતોને ચૂકવવા હુકમ કર્યો છે. ગુનાની તપાસ અંજારના તત્કાલિન પોલીસ સબ ઈન્સ્પેક્ટર રશ્મિકાંત ગોવિંદભાઈ પરમારે કરેલી અને અંજારના સરકારી વકીલ આશિષ પી. પંડ્યાએ પેરવી કરેલી.

Share it on
   

Recent News  
મિત્રતા નિભાવવા હત્યા કેસની જુબાનીમાંથી બે મિત્ર ફરી ગયાં: બેઉને ૩ માસની કેદ
 
ભત્રીજાના બેરોજગાર સાળાને કામે રાખવો ભારે પડ્યો! ૨૫ લાખ લઈને ગાંધીધામથી ફરાર