|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ સામખિયાળીના એક મર્ડર કેસમાં સરકાર તરફે રજૂ થયેલાં બે સાક્ષી કૉર્ટમાં ફરી જતાં તેને ગંભીર ગણીને કૉર્ટે બંને સામે ન્યાયિક કાર્યવાહી કરી બેઉને ત્રણ ત્રણ માસની જેલની સજા ફટકારી છે. અદાલતોમાં મહત્વના કેસોમાં સાક્ષીઓનું ફરી જવું કોઈ અસામાન્ય ઘટના નથી. ત્યારે, ભચાઉના અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ભરત એલ. ચૌઈથાણીએ બેઉ હોસ્ટાઈલ સાક્ષીને સજા ફટકારી ન્યાયિક આલમ માટે એક દાખલો બેસાડ્યો છે. બનાવની ટૂંક વિગત એવી છે કે ૨૩-૧૧-૨૦૨૩ની મધરાતે સામખિયાળીના શાંતિનગરમાં ઉછીના આપેલા ૫૦ હજાર રૂપિયાની વારંવાર ઉઘરાણી કરી રહેલાં ગફૂર ઈસ્માઈલ મન્સુરીનું પડોશમાં રહેતા વિનોદ અમરશી લુહાર (રાઠોડ)એ છરી મારી મર્ડર કરી નાખ્યું હતું.
આ કેસમાં ગત ૧ ઑક્ટોબરના રોજ ભચાઉની સેશન્સ કૉર્ટે વિનોદને દોષી ઠેરવી આજીવન કારાવાસ સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
હત્યારો વિનોદ મિત્ર તૈયબ ગુલમામદ માણેકની મોટર સાયકલ વાપરતો હતો. હત્યા બાદ તે તૈયબની મોટર સાયકલ લઈને ઘરેથી નાસી ગયેલો. ત્યારબાદ અન્ય એક મિત્રને બોલાવી તેની બાઈક પર બેસીને કટારિયા રોડ પર હનુમંત ધામ પહોંચેલો. ત્યાંથી તેણે તૈયબના પુત્રને ફોન પર સંપર્ક કરીને તૈયબને મળવા બોલાવેલો.
હત્યારાએ બેઉ મિત્રો પાસે આશરો માંગેલો
તૈયબ કાર લઈને આવ્યા બાદ તેની કારમાં બેસીને શિકારપુર ચોકડી પાસે ગયેલો. રસ્તામાં તૈયબને પોતે વિનોદને છરી મારી હોવાનું જણાવી તેની પાસે આશરો માગેલો. તૈયબે તેને આશરો આપવા ઈન્કાર કરી શિકારપુર ચોકડી પાસે ઉતારી દીધેલો. વિનોદ ત્યાંથી પગપાળા માળિયા પાસે વિશાલા હોટેલ પાછળ રહેતા મિત્ર સલીમ સુભાન કટિયાના ઘેર ગયેલો. સલીમે પણ તેને આશરો આપવા ઈન્કાર કરતાં તે ટ્રેલરમાં બેસીને અમદાવાદ અને ત્યાંથી મુંબઈ ગયેલો. મુંબઈ ગયા બાદ તૈયબનો તેને ફોન આવેલો. તૈયબે તેને પોલીસથી બચવા ગમે ત્યાં નાસવાના બદલે પરત આવી જવા અને પોતે પોલીસ સમક્ષ હાજર કરાવી દેશે તેમ જણાવતાં વિનોદ પરત શિકારપુર આવેલો. પોલીસ તેને જોઈ જતાં ઝડપી પાડેલો.
આ કેસમાં તૈયબ માણેક અને સલીમ કટિયાએ પોલીસ સમક્ષ સાક્ષી તરીકે નિવેદનો લખાવેલાં. પોલીસે CrPC ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ બંનેના નિવેદન સાક્ષી તરીકે નોંધાવડાવેલાં. જુબાનીના સમર્થનમાં પોલીસે CDRને પુરાવા તરીકે જોડેલ. જો કે, ટ્રાયલ દરમિયાન તૈયબ અને સલીમ બેઉ પોતાની જુબાનીમાંથી ફરી ગયેલાં.
આરોપીને સજા ફટકારતી વખતે કૉર્ટને આ બાબતની નોંધ લઈને બેઉને કારણદર્શક નોટિસ ફટકારેલી. સલીમે કોઈ જવાબ ના પાઠવતાં કૉર્ટે તેની સામે બિનજામિનપાત્ર પકડ વૉરન્ટ ઈસ્યૂ કર્યું છે. તૈયબે ખુલાસો કર્યો કે પોલીસે તો કેવળ તેનું નામ સરનામું પૂછેલું. બાકીની અન્ય હકીકતો અંગે અજાણ છે. પોતાને ફક્ત સહી કરતાં આવડે છે, લખતાં વાંચતા આવડતું નથી. પોલીસે તેને જે વિગતો કહેલી તે જ વિગતો તેણે મેજિસ્ટ્રેટને જણાવેલી. વિનોદ સાથે બનાવ બાબતે કશી વાતચીત થઈ નહોતી.
કૉર્ટે હત્યારા વિનોદ લુહારે આપેલા નિવેદન અને બેઉની જુબાનીની વિગતવાર નોંધ લઈને જણાવ્યું કે બેઉ જણે સોગંદ ઉપર સત્યને વળગી રહી પુરાવો આપવાના બદલે આરોપી સાથેની મિત્રતા નિભાવવાનું વધુ યોગ્ય મુનાસિબ માન્યું છે. જેને જરા પણ હળવાશથી લઈ શકાય નહીં.
સાક્ષીઓ કોઈપણ જાતના ખચકાટ કે પસ્તાવા, ડર વગર કૉર્ટ સમક્ષ ફરી જવાની વૃત્તિ ધરાવતાં થઈ ગયાં છે. ઘણીવાર આવા સાક્ષીઓના કારણે આરોપીઓને લાભ થતો હોય છે.
સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ બેઉ જણે સોગંદ ખાઈને ખોટો પુરાવો આપ્યો હોવાનું જણાવી પોલીસને સાક્ષીના ખોટા નિવેદન લખવા માટે કે તેવી ફરજ પાડવા પાછળ કોઈ જ કારણ નથી. જેથી બંનેને યોગ્ય નશ્યત કરવી જોઈએ.
એડિ. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ બી.એલ. ચૌઈથાણીએ બેઉને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૮૩ હેઠળ દોષી ઠેરવી ત્રણ ત્રણ માસની સાદી કેદ સાથે પાંચસો પાંચસો રૂપિયા દંડ ફટકાર્યો છે.
Share it on
|