કચ્છખબરડૉટકોમ, પાટણઃ પાટણના નવજાત બાળકોના ગેરકાયદે ખરીદ વેચાણના કૌભાંડમાં આડેસરના બૉગસ ડૉક્ટરે આપેલી બાળકીનો પાંચ લાખમાં સોદો થયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાટણ એસઓજીની તપાસમાં બહાર આવ્યું છે કે સૂત્રધાર બોગસ ડૉક્ટર સુરેશ ઠાકોર અને તેની સ્ત્રી મિત્ર શિલ્પા ઠાકોર વચેટિયા ધીરેન સાથે આડેસર આવેલાં. આડેસરના બોગસ તબીબ નરસંગ ઊર્ફે નરેશ માધાભાઈ રબારી પાસેથી તેમણે દોઢ બે દિવસની બાળકી મેળવી હતી. બાળકી બીમાર હોઈ તેને પાટણની નિષ્કા હોસ્પિટલમાં દાખલ કરાયેલી પરંતુ તેનું મૃત્યુ થતાં સુરેશ અને શિલ્પા સહિતના આરોપીઓએ બાળકીને સમી નજીક દાદર ગામે બનાસ નદીના પટમાં દાટી દીધી હતી. આરોપીઓની કબૂલાત બાદ પોલીસે સ્થળ પર તપાસ કરી પરંતુ બાળકીનો મૃતદેહ ના મળતાં મામલો પેચીદો બન્યો છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે જ્યાં બાળકીને દાટી દેવાયેલી ત્યાં શિલ્પા બીજા દિવસે આંટો મારવા ગયેલી.
સાંતલપુરનો બોગસ તબીબ સુરેશ ઠાકોર સૂત્રધાર
આઠ દસ દિવસ અગાઉ નીરવ મોદી નામના શખ્સે સુરેશ ઠાકોરે પોતાને ૧.૨૦ લાખમાં બાળક વેચીને બાદમાં બીમાર બાળક પરત લઈને પોતાને તમામ નાણાં પાછાં નહીં આપીને ઠગાઈ કર્યાની પાટણમાં પોલીસ ફરિયાદ નોંધાવતાં બાળ તસ્કરીના કાંડનો ઘટસ્ફોટ થયો હતો. ધોરણ ૧૦ ચોપડી પાસ સુરેશ ઠાકોરે સાંતલપુરના કોરડા ગામે પોતાના નિવાસસ્થાનની ઉપર ૧૦ બેડની આઈસીયુની સુવિધાથી સજ્જ હોસ્પિટલ ખોલીને ધીકતી પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવેલું. છેલ્લાં ૧૦ વર્ષથી સુરેશ મુન્નાભાઈ બનીને પ્રેક્ટિસ કરતો હતો. નકલી તબીબ તરીકે કામ કરતાં કરતાં સુરેશે નિઃસંતાન દંપતીઓને બાળકો વેચવાનું શરૂ કરેલું.
પાટણ કચ્છના સરહદી ગામોમાં સુરેશનું નેટવર્ક
પાટણ એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે પાટણ અને કચ્છના સીમાવર્તી ગામડાઓમાં સુરેશ ઠાકોરે નેટવર્ક સ્થાપ્યું હતું. ખાનગી ગાયનેકોલોજીકલ હોસ્પિટલમાં કામ કરતાં ચોથા વર્ગના કર્મચારીઓ, કંપાઉન્ડરો, સરકારી પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના કરાર આધારીત કર્મચારીઓ તથા અંતરિયાળ ગામડાઓમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબોને તેના નેટવર્કમાં સાંકળ્યાં હતાં.
કુંવારી સગર્ભાઓની પ્રીમેચ્યોચોર ડિલિવરી કર્યાની શંકા
આ ટોળકી સારવાર લેવા આવતી સગર્ભા સ્ત્રીઓ પર નજર રાખતી. ખાસ કરીને, સગર્ભા કુંવારી યુવતીઓ પર સવિશેષ નજર રખાતી. આવી યુવતીઓને બાળકનો ગૂપચૂપ નિકાલ કરી આપવાની ખાતરી આપીને આ ટોળકી કુંવારી સગર્ભાઓને તેમની નકલી હોસ્પિટલમાં લઈ જઈ પ્રીમેચ્યોર ડિલિવરી કરાવી લેતી.
દસથી વધુ બાળકોની ખરીદ ફરોખ્તની શક્યતા
આ ટોળકીએ અત્યારસુધીમાં દસથી વધુ બાળકોના ખરીદ વેચાણનો સોદો પાર પાડ્યો હોવાની પોલીસને આશંકા છે. આગામી દિવસોમાં આ કૌભાંડનો રેલો પૂર્વ કચ્છના અન્ય વિસ્તારો અને વ્યક્તિઓ સુધી રેલાવાની પ્રબળ શક્યતા છે. નકલી ડૉક્ટર સુરેશ ઠાકોર ભાજપ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, પૂર્વ સાંસદ ભરતજી ઠાકોર સાથેના તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે.
Share it on
|