કચ્છખબરડૉટકોમ, મુંબઈઃ મુંબઈમાં ૧૬ જણનો ભોગ લેનાર અને ૭૪ જણને ઘાયલ કરનાર હૉર્ડિંગ દુર્ઘટનામાં ફરાર થઈ ગયેલા એડ એજન્સીના માલિક ભાવેશ ભીંડેને મુંબઈ પોલીસે રાજસ્થાનના ઉદેપુરથી ઝડપી પાડ્યો છે. સોમવારે સાંજે મુંબઈમાં અચાનક વાવાઝોડાં સાથે વરસાદ તૂટી પડ્યો ત્યારે ઘાટકોપર ઈસ્ટના પંતનગરમાં રેલવે (જીઆરપી)ની જમીન પર ખડું કરાયેલું અઢીસો ટન વજનનું ૧૨૦ બાય ૧૨૦ ચોરસ ફૂટનું અતિ વિશાળ હૉર્ડિંગ તૂટીને ભારત પેટ્રોલ પંપ પર પડ્યું હતું.
દુર્ઘટનામાં સવાસો જેટલાં લોકો દબાઈ ગયાં હતાં. NDRF અને મુંબઈ મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમોએ રાહત અને બચાવ કામગીરી કરીને હૉર્ડિંગ નીચે દબાઈ ગયેલાં લોકો અને મૃતદેહોને બહાર કાઢ્યાં હતાં. જાહેરખબરનું આ હૉર્ડિંગ ભાવેશ ભીંડેની ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની એડ એજન્સીએ લગાડ્યું હતું. બીએમસીના નિયમ મુજબ મહત્તમ ૪૦ બાય ૪૦ સ્ક્વેર ફીટના હૉર્ડિંગ લગાડી શકાય છે. દુર્ઘટના મામલે ભીંડે પર સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરાયો હતો.
ભાવેશ કચ્છ ભાગી ગયો હોવાની આશંકા હતી
ભાવેશ ભીંડે અને તેનો પરિવાર મૂળ કચ્છનો વતની છે. દુર્ઘટના બાદ મોબાઈલ બંધ કરીને તે ભૂગર્ભમાં ઉતરી જતાં મુંબઈ પોલીસે તેને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ભાવેશ છૂપાવા માટે વતન કચ્છ ભાગી ગયો હોવાની મુંબઈ પોલીસને આશંકા હતી. મુલુંડમાં રહેતા ૫૧ વર્ષિય ભાવેશ ભીંડેએ એક એડ એજન્સીમાં નોકરી કરીને કારકિર્દીની શરૂઆત કરેલી. ૧૯૯૯માં ભાવેશે પોતાની ગુજુ એડ નામથી પોતાની પેઢી શરૂ કરીને આઉટડૉર એડવર્ટાઈઝીંગનું કામ શરૂ કરેલું.
મુંબઈ મહાનગરપાલિકાના નિયમોને નેવે મૂકીને ભાવેશ મનફાવે તેમ જોખમી રીતે હૉર્ડિંગ્સ લગાડતો હતો. તે સબબ તેની પેઢી વિરુધ્ધ બીએમસી એક્ટના ભંગ બદલ ૨૦થી વધુ ફરિયાદો નોંધાયેલી છે. સાંસદ કિરીટ સોમૈયાએ તેની વિરુધ્ધ કરેલી ફરિયાદના પગલે રેલવેએ તેની પેઢીને બ્લેકલિસ્ટ કરેલી.
પાછળથી ભાવેશે ઈગો મીડિયા પ્રા.લિ. નામથી નવી પેઢી ખોલી ધંધો શરૂ કરેલો. ૨૦૦૯માં મુલુંડ વિધાનસભા બેઠક પર ગુજરાતીઓના મતોમાં ભંગાણ પાડી ભાજપના ઉમેદવારને જીતાડવા અપક્ષ ઉમેદવાર તરીકે તે ચૂંટણી પણ લડ્યો હતો. ભાવેશ વિરુધ્ધ થોડાંક મહિના અગાઉ જ તેની ઑફિસની મહિલા સહકર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવેલી. રેપકેસમાં તેને માર્ચ માસમાં હાઈકૉર્ટે આગોતરા જામીન આપેલાં. તેની વિરુધ્ધ ચીટીંગ અને ચેક બાઉન્સના અન્ય કેસો પણ થયેલાં છે.
Share it on
|