|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના મિંયાણી ગામે બેન્ટોનાઈટની પારકી લીઝમાં માટીનો પાળો બનાવવા પ્રયાસ કરીને બે સગાં ભાઈ પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં સાત આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી ભુજ કૉર્ટે ફગાવી દીધી છે. આરોપીઓએ કાવતરું ઘડીને, ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી, માટીના પાળાના લીધે પોતાનો રસ્તો અવરોધાતો હોવાના મુદ્દે વિરોધ કરનાર બે સગાં ભાઈ પર ઘાતક હુમલો કર્યો હતો. આ મામલે કુખ્યાત હનીફ જાકબ બાવા પડયાર, તેના ભત્રીજા હાફિઝ કાસમ પડયાર સહિત ૨૧ લોકો પર અલ્તાફ મામદ હુસેન હિંગોરાએ હત્યાના પ્રયાસ, લૂંટ, ગુનાહિત કાવતરું રચીને હુમલો કરવા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. સામા પક્ષે પણ અલ્તાફ સહિત દસ લોકો વિરુધ્ધ હિટાચીમાં તોડફોડ કરી ઘાતક હુમલો કરવા સહિતની વળતી ફરિયાદ નોંધાવી હતી.
LCBએ ૩૦ જાન્યુઆરીએ ધરપકડ કરેલી
અલ્તાફની ફરિયાદના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચે હનીફના ભત્રીજા હાફિઝ કાસમ પડયાર, જુસબ ઊર્ફે બુઢા મીઠુ પડયાર, અલ્તાફ સુમાર ખલીફા, મંજુરહુસેન જુમા હુસેન પડયાર, ગફુર હુસેન પડયાર, અઝીમ જુસબ પડયાર, સલીમ આધમ પડયાર, હમીદ જાનમામદ હિંગોરા મળી આઠ આરોપીની ૩૦ જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી. આ ગુનામાં આરોપીઓ સામેની તપાસ પૂરી કરીને પોલીસે કૉર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યાં બાદ હમીદ હિંગોરા સિવાયના અન્ય સાત આરોપીએ ભુજ સેશન્સ કૉર્ટમાં નિયમિત જામીન મેળવવા જુદી જુદી બે અરજીઓ દાખલ કરી હતી.
જાણો, કૉર્ટમાં શું દલીલો થઈ
આરોપીઓ સામે પુરાવા તરીકે પોલીસે કૉર્ટમાં હથિયારો સાથે ઊભેલાં આરોપીઓનો વીડિયો રજૂ કર્યો છે. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે વીડિયોમાં આરોપીઓ હથિયારો સાથે ઊભેલાં દેખાય છે, કોઈને માર મારતાં દેખાતાં નથી. આ ગુનાના એક આરોપી હમીદ હિંગોરાને કૉર્ટે જામીન આપ્યા છે તેથી અરજદારોને પણ સમાનતાના સિધ્ધાંત (પેરિટી) પર જામીન પર છોડવા જોઈએ. પોલીસની તપાસ પૂરી થઈ ગઈ છે.
સરકાર પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલ કરી હતી કે વીડિયો મારામારી થયાં બાદ રેકોર્ડ કરાયો હતો. તપાસ દરમિયાન આરોપીઓએ પોલીસને પૂરતો સહકાર આપ્યો નહોતો. એટલું જ નહીં, ફરિયાદીને સમાધાન કરવા માટે ધમકી દબાણ કરાયાં હતા જે અંગે અન્ય ફરિયાદ નોંધાવાઈ હતી.
છઠ્ઠા અધિક સેશન્સ જજ વિરાટ એ. બુધ્ધે બંને પક્ષની દલીલો, ફરિયાદમાં કરાયેલો આરોપ, રજૂ થયેલાં પુરાવાને અનુલક્ષીને બેઉ જામીન અરજી રીજેક્ટ કરતાં જણાવ્યું કે આરોપીઓ પૂરી તૈયારી સાથે હથિયારો લઈને આવ્યા હોઈ તેમનો હેતુ પ્રથમદર્શનીય રીતે સ્પષ્ટ થતો હોઈ તે હકીકત, આરોપીઓની વર્તણૂક, ગુનાની ગંભીરતા, તેમાં ભજવેલી સક્રિય ભૂમિકા વગેરે બાબત ધ્યાને લેતાં તેમને જામીન પર છોડવા ઉચિત જણાતું નથી.
Share it on
|