કચ્છખબરડૉટકોમ, પટણાઃ મુંદરાના નાના કપાયા ગામથી ગત શનિવારે ભેદી રીતે લાપત્તા થયેલાં પાંચ બાળકો બિહારથી સહી સલામત મળી આવતાં વાલીઓને મોટો હાશકારો થયો છે. મુંદરા પોલીસ બિહારના મુઝફ્ફરપુરથી પાંચે બાળકોને લઈ પરત આવવા રવાના થઈ છે. તમામ બાળકો મુંદરાની એક જ શાળામાં અભ્યાસ કરે છે. યુપી અને બિહારના શ્રમિક પરિવારોના ૧૧, ૧૨ અને ૧૪ વર્ષની વયના પાંચે બાળકો શનિવારે સાંજે ૬ વાગ્યા બાદ એકસાથે ગુમ થઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. લાપત્તા બાળકોમાં બે છોકરી અને ત્રણ છોકરાં હતાં.
રેલવે સ્ટેશન બહાર રડતી છોકરી મળી ને..
મંગળવારે મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન બહાર ટેક્સી સ્ટેન્ડમાં એક છોકરી બેઠી બેઠી રડી રહી હતી. ટેક્સી ડ્રાઈવરોએ આ અંગે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને જાણ કરતાં જવાનોએ આ બાળકીને હૈયાધારણા આપી શાંત પાડી પ્રાથમિક પૂછપરછ કરી હતી. બાળકીએ જણાવ્યું કે તેની સાથે અન્ય ચાર બાળકો હતાં અને તે બધા છપરાની ટ્રેનમાં બેસી ગયાં પરંતુ હું તેમનાથી વિખૂટી પડી જતાં ટ્રેન ચૂકી ગઈ. પોલીસે પ્રેમપૂર્વક પૂછતાછ કરી ત્યારે બહાર આવ્યું કે તેઓ ઘરેથી માવતરોને કહ્યાં વગર ફરવા નીકળ્યાં હતાં. પોલીસે તેના વાલીનો નંબર મેળવી સંપર્ક કરતાં વધુ વિગતો મળી હતી.
અન્ય ચાર બાળકોનો મકેરથી કબ્જો મેળવાયો
રેલવે એસપી ડૉ. કુમાર આશિષે જણાવ્યું કે ‘જેવી અમને ખબર પડી કે પાંચે બાળકો ઘરેથી કહ્યાં વગર ગુજરાતથી અહીં આવ્યાં છે કે તુરંત અમે ગુજરાત પોલીસનો કોન્ટેક્ટ કર્યો. બાળકીના કહેવા મુજબ અમે છપરા GRPને મકેરમાં મોકલી અન્ય ચારે બાળકોને મુઝફ્ફરપુર લઈ આવ્યાં’ પોલીસે તમામ બાળકોનું કાઊન્સેલિંગ કરી માહિતી મેળવી તો ચોંકી ઉઠી.
માવતરની જાણ બહાર દિલ્હી ફરવા નીકળેલાં
બાળકોએ પોલીસને જણાવ્યું કે તેમને દિલ્હી ફરવા જવું હતું. પરંતુ, માવતરો ના પાડતાં હતાં. તેથી, માતા-પિતાને જાણ કર્યાં વગર શનિવારે સાંજે પાંચે જણ ઘરેથી નીકળી ગયાં હતાં. કપાયાથી તેઓ ભુજ આવ્યાં હતાં. અહીંથી ટ્રેનમાં બેસી તેઓ ગાંધીધામ ગયાં હતાં. ગાંધીધામથી બસમાં બેસી તેઓ અમદાવાદ ગયા હતાં.
ખિસ્સામાં રહેલાં રૂપિયા ખૂટતાં એક જણે તેની પાસે રહેલી સોનાની ચેઈન અમદાવાદમાં ૩૭૦૦ રૂપિયામાં વેચી હતી. તે રૂપિયા ખર્ચી તેઓ જયપુર ગયાં હતાં. જયપુરથી ટ્રેઈનમાં બેસી સૌ દિલ્હી ગયેલાં.
દિલ્હીમાં ફર્યાં બાદ ક્યાં જવું તેની મુંઝવણ હતી. એક બાળકનો મામા બિહારના છપરાના મકેરમાં કામ કરતો હોઈ પાંચે જણે બિહાર જવાનું નક્કી કરેલું. દિલ્હીથી તેઓ બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં બેસી મુઝફ્ફરપુર રેલવે સ્ટેશને આવ્યાં હતાં. અહીંથી તેમણે છપરાની ટ્રેઈન પકડી હતી પરંતુ એક બાળકી વિખૂટી પડી જતાં ટ્રેન ચૂકી ગઈ હતી.
મુંદરા પોલીસે બાળકોનો કબ્જો મેળવ્યો
મકેરમાં જે શખ્સના ઘરેથી આ બાળકોનો પત્તો મેળવ્યો તે શખ્સની પણ રેલવે પોલીસ પૂછતાછ કરી રહી છે. મુંદરા પોલીસે લાપત્તા બાળકોને શોધવા અમદાવાદ, દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિતના સ્થળોએ ખૂબ શોધખોળ કરી હતી. મુઝફ્ફરપુર પહોંચેલી મુંદરા પોલીસને રેલવે પોલીસે પાંચે બાળકો સહીસલામત સુપ્રત કરી દીધાં છે. બાળકોને લઈ પોલીસ ત્યાંથી મુંદરા પરત આવવા રવાના થઈ ગઈ છે.
Share it on
|