|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતાની હોસ્પિટલમાં રોકાણ કરવાની લાલચ આપીને ભુજના શિવાલિકા ગૃપના ૧.૧૦ કરોડ રૂપિયા સહિત વિવિધ પાર્ટીઓના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી જનારા નકલી ડૉક્ટર ઝૈનુલ કાજાણીને ભુજ સેશન્સ કૉર્ટે ઝટકો આપ્યો છે. ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫થી પાલારાની હવા ખાઈ રહેલા ઝૈનુલે ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી કૉર્ટે રીજેક્ટ કરી દીધી છે. ઝૈનુલે આ રીતે આચર્યો હતો ગુનો
ઝૈનુલે ગુગલ પરથી ગુજરાતના એક મહિલા તબીબનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી, તેમાં ચેડાં કરીને પોતાનું નામ ચઢાવી દઈને ભુજમાં એમ.ડી. ડૉક્ટર તરીકે હોસ્પિટલ ખોલીને સારું વળતર મળવાની લાલચ આપી અનેક મોટી પાર્ટીઓને બૂચ મારી ફરાર થઈ ગયો હતો. શિવાલિકા ગૃપે નોંધાવેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ ઝૈનુલને ભરુચથી પકડી લાવી હતી.
કૉર્ટમાં થયેલી દલીલ અને કૉર્ટનો હુકમ
ઝૈનુલના વકીલોએ દલીલ કરી હતી કે સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવા આધારીત છે તેથી તેમાં કોઈ ચેડાં થવાની શક્યતા નથી. બીએનએસ કલમ ૩૩૮ને બાદ કરતાં તમામ કલમો સાત વર્ષ સુધીની સજાને પાત્ર છે. ગુનાની તપાસ પૂરી થઈ ગઈ હોઈ તેને જામીન પર છોડવો જોઈએ. આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડીયાએ ઝૈનુલે પારકાં મેડિકલ સર્ટીમાં ચેડાં કરી ઝૈનુલ પોતે તબીબ તરીકે પ્રેક્ટિસ કરવા માંડેલો તે બાબતને ગંભીર ગુનો ગણાવ્યો.
કૉર્ટે જણાવ્યું કે અગાઉ ગુણદોષના આધારે કૉર્ટ આરોપીની જામીન અરજી ફગાવી ચૂકી છે. કેવળ ચાર્જશીટ દાખલ થવા માત્રથી કેસના સંજોગોમાં પરિવર્તન થયેલું ના ગણાય, ચેન્જ ઑફ સર્કમસ્ટન્સીસ પૂરવાર કરવા પડે.
આરોપી સામે કૉર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (ચેક બાઉન્સ)ના અન્ય કેસો પણ ચાલી રહ્યાં છે. કેસ જોતાં આરોપીને જામીન પર છોડવો ઉચિત જણાતો નથી. કેસમાં સરકાર તરફે એડવોકેટ પ્રવિણ વાણિયાએ દલીલો કરી હતી.
Share it on
|