|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગૌહત્યાના ગુનાઓમાં સામેલ ભુજના એક રીઢા યુવકને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડવા પ્રયાસ કરતા આજે ભરપબપોરે ભુજના રસ્તાઓ પર આરોપી અને પોલીસ વચ્ચે કાર ચેઝના દિલધડક દ્રશ્યો સાથે દહેશત સર્જાઈ હતી. આ રીઢો શખ્સ અંતે પોલીસના ખાનગી વાહનો સહિત રસ્તા પરથી પસાર થતાં અન્ય લોકોના વાહનોને અડફેટે લઈ, નુકસાન પહોંચાડીને ફિલ્મી ઢબે સાગરીતો સાથે વાહનમાં ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચે સરકાર તરફે ભુજની રામનગરી, કેમ્પ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ અબ્દુલ જુણેજા અને તેના અજાણ્યા સાગરીતો સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
આત્મરામ સર્કલથી શરૂ થઈ ભયજનક કાર ચેઝ
ઈમ્તિયાઝ વરનોરાથી ગૌમાંસ લઈને ગ્રે કલરની સ્વિફ્ટ કારમાં તેના ઘરે રામનગરી તરફ જવાનો હોવાની એએસઆઈ પંકજ કુશ્વાહાને મળેલી બાતમીના પગલે બપોરે એક વાગ્યે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પાંચ જણના સ્ટાફે પોત-પોતાના ત્રણ ખાનગી વાહનમાં આત્મરામ સર્કલ પર વૉચ ગોઠવી હતી.
ઈમ્તિયાઝ ગણેશ કાંટા બાજુથી કાર લઈ ભુજ તરફ આવ્યો હતો અને આત્મારામ સર્કલને બાયપાસ કરવાના ઈરાદે જથ્થાબંધ માર્કેટની અંદર ગાડી નાખીને સીધો આરટીઓ સર્કલ તરફ જવા પ્રયાસ કર્યો હતો.
ફરિયાદી હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી અને એએસઆઈ નિલેશ ભટ્ટે સ્વિફ્ટ કારથી તેનો પીછો કરીને આત્મરામ સર્કલ પર હાજર અન્ય પોલીસ કર્મચારીઓને ફોન પર જાણ કરી હતી.
ઈમ્તિયાઝ શક્તિસિંહને ઓળખી ગયો હતો અને તેની કારથી શક્તિસિંહની કારને ટક્કર મારીને પૂરઝડપે ભુજીયા રીંગ રોડથી આરટીઓ સર્કલ તરફ નાસી ગયો હતો.
કારમાં ઈમ્તિયાઝ સાથે અન્ય અજાણ્યા સાગરીતો પણ સવાર હતા.
ટ્રાફિકથી ધમધમતાં રોડ પર ચોર પોલીસ જેવા દ્રશ્યો
એલસીબીની ટીમ પીછો કરી રહી હોવાનું પામી ગયેલો ઈમ્તિયાઝ પોલીસથી પીછો છોડાવવા માટે જાણે મરણિયો બન્યો હતો. આરટીઓ સર્કલથી આર્મી ગેટ સુધી રોંગસાઈડમાં ગાડી હંકારીને તેણે કેમ્પ એરિયા તરફ ટર્ન લીધો હતો. ત્યાંથી મેન્ટલ હોસ્પિટલવાળા રોડથી લાલ ટેકરી થઈ વી.ડી. હાઈસ્કુલના સર્કલ પરથી ભુજ ડીવાયએસપીના બંગ્લો સુધી જઈ યુ ટર્ન લીધો હતો.
વી.ડી. સર્કલથી ફરી યુ ટર્ન લઈને તાજા’સ ફૂડ કોર્નરથી હોસ્પિટલ રોડ કેડીસીસી બેન્ક તરફ ભયજનક રીતે પૂરઝડપે ગાડી ભગાવી હતી.
એલસીબીએ વધુ એકવાર તેને આંતરવા પ્રયાસ કરતા તેણે હેડ કોન્સ્ટેબલ નવીન જોશીની બલેનો કારને ટક્કર મારેલી અને ભુજ ઈંગ્લિશ સ્કુલ સર્કલથી કેમ્પ એરિયા તરફ ભાગ્યો હતો. કેમ્પ એરિયાથી ફન એન્ડ ફૂડ હોટેલથી આત્મરામ સર્કલ તરફ જઈ પોલીસને થાપ આપી સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો. ટક્કરના લીધે નવીન જોશીની કાર બંધ થઈ ગઈ હતી.
પોલીસની બે ખાનગી કાર સહિત અન્ય વાહનોને ટક્કર મારી
ચોર પોલીસ જેવી દિલધડક કાર ચેઝ દરમિયાન ઈમ્તિયાઝે ધરપકડથી બચવા ઈરાદાપૂર્વક કાર ટકરાવતાં ફરિયાદીની સ્વિફ્ટ કારમાં એક લાખનું અને હેડ કોન્સ્ટેબલ જોષીની કારમાં સિત્તેર હજારનું નુકસાન થયું છે.
રોડસાઈડમાં પાર્ક અન્ય વાહનો તથા રસ્તા પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોના વાહનોને પણ નુકસાન થયું છે.
ઈમ્તિયાઝ અને તેના સાગરીતો સામે ગેરકાયદેસર મુદ્દામાલ રાખીને ધરપકડથી બચવા માટે, પોતાની અને અન્યોની જિંદગી જોખમાય તે રીતે પૂરઝડપે વાહન હંકારી, પોલીસ અને રાહદારીઓના વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડી, ગુનાહિત બળ વાપરી હુમલો કરી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા સબબના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે.
Share it on
|