|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કર ચોકડીએ ગત રાત્રે ગાંધીધામના કિડાણાની મંગલ તુલસી સોસાયટીમાં ત્રાટકીને એકસાથે પાંચ બંધ મકાનના તાળાં તોડી મોટી માલમતાની ચોરી કરી છે. તસ્કરોના તરખાટના પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાંચ મકાનમાં થયેલી ચોરી પૈકી હરફુલ મેઘવાળા નામના ગેરેજ સંચાલકે પોતાના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ૨.૯૫ લાખના મૂલ્યના સોના ચાંદીના ઘરેણાં ચોરી ગયાં હોવાની ફરિયાદ નોંધાવી છે. ગત મધરાતે ૨થી ૪ વાગ્યાના બે કલાકની અંદર સોસાયટીમાં પ્રવેશેલાં ૪ અજાણ્યા તસ્કરોએ સામૂહિક ચોરીને અંજામ આપ્યો હોવાનું સોસાયટીના સીસીટીવી પરથી સ્પષ્ટ થયું છે.
ફરિયાદી હરફુલ મેઘવાળ પોતાના સાળાના લગ્ન નિમિત્તે છેલ્લાં એક માસથી ઘરને તાળું મારી સપરિવાર રાજસ્થાન ગયો હતો. ઉપરના રૂમમાં રહેતા તેના ભાણેજ અને ગેરેજમાં કામ કરતા કર્મચારીએ સવારે ફોન કરીને નીચેના રૂમનું તાળું તૂટેલું હોવાનું જણાવતાં તે સાંજે હાંફળો ફાંફળો ઘરે દોડી આવ્યો હતો.
તસ્કરોએ સોસાયટીમાં આવેલા અન્ય મકાન નંબર ૬૯, ૮૮, ૫૪ અને ૫૮ના તાળાં તોડી ચોરી કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.
મકાન માલિકો ઘરમાંથી શું શું ચોરાયું તે અંગે પોલીસને ફરિયાદ વિગતો આપે ત્યારે ચોરીના મુદ્દામાલનો સાચો આંકડો સામે આવશે. બનાવને ગંભીરતાથી લઈ ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા અને સર્વેલન્સ સ્ટાફે અજાણ્યા તસ્કરોને ટ્રેસ કરી દબોચી લેવા કમર કસી છે.
Share it on
|