|
કચ્છખબરડૉટકોમ, ગાંધીનગરઃ ગાંધીનગરમાં રહેતી ૩૬ વર્ષિય આસિસ્ટન્ટ પ્રોફેસર યુવતીનો વિશ્વાસ કેળવીને મૂળ ભુજના વતની યુવકે ૧૩.૩૭ લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના લખનૌની વતની સૌમ્યા દ્વિવેદીએ ભુજના આઈયાનગરમાં રહેતા હિતેશ ધીરેન ઠક્કર (હાલ રહે. બેંગલુરુ, કર્ણાટક) નામના યુવક સામે ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. એક વર્ષ અગાઉ મેટ્રિમોનિઅલ વેબસાઈટ મારફતે સૌમ્યાનો હિતેશ સાથે પરિચય થયેલો. હિતેશે મીઠી મીઠી વાતોમાં ભોળવીને તેનો વિશ્વાસ જીતી લીધો હતો. દરમિયાન, હિતેશે આપેલી સલાહ મુજબ સૌમ્યાએ ગઈ ૧૪ મેના રોજ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં બેરિયાટ્રીક સર્જરી કરાવી હતી.
સર્જરી સમયે સાથે રહેલાં હિતેશે સૌમ્યાનો ભરોસો જીતીને તેના મોબાઈલ અને નેટ બેન્કિંગ માટેના પાસવર્ડ જાણી લીધા હતા.
હિતેશે જ સૌમ્યાના યુનિયન બેન્કના ખાતામાં કરાવેલી ૧૮.૧૫ લાખની એફડી બેન્કની મોબાઈલ એપના માધ્યમથી તોડીને ઓપરેશન અને દવાનો ખર્ચો હોસ્પિટલમાં ચૂકવ્યો હતો. આ સમયે તેણે યુક્તિપૂર્વક બાયોમેટ્રિક લૉકમાં પોતાની ફિંગર પ્રિન્ટને પણ એડ કરી દીધી હતી.
સર્જરી બાદ હમદર્દ બનીને સાથે રહેતા હિતેશે સૌમ્યાની જાણ બહાર ૧૭ મેના રોજ ૩ લાખ, ૧૮ મેના રોજ ૯ લાખ અને ૩૧ મેના રોજ ૫૦ હજાર રૂપિયા બેન્કની મોબાઈલ એપથી પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
એટલું જ નહીં, સૌમ્યાના ક્રેડિટ કાર્ડમાંથી પણ હિતેશે ૮૭ હજારના ટ્રાન્ઝેક્શન કર્યાં હતા. આમ, હિતેશે વિશ્વાસ કેળવીને પોતાની જાણ બહાર ૧૩.૩૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
Share it on
|