click here to go to advertiser's link
Visitors :  
10-Oct-2026, Saturday
Home -> Other -> Massive Floods Hit Nepal China Border Kailash Mansarovar Pilgrims from Kutch Reported Safe
Wednesday, 26-Aug-2026 - Desk Report 43246 views
નેપાળ-ચીન બોર્ડર પર ભારે પૂર વચ્ચે કૈલાસ-માનસરોવરના કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત
કચ્છખબરડૉટકોમ, ભુજ/કાઠમંડુઃ નેપાળના રસુવા જિલ્લામાં ચીનની સરહદે આજે પરોઢે અચાનક આવેલા ભયાનક પૂરથી તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. તિબેટમાં ડેમ તૂટવાના સંભવિત કારણથી ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં અનેક વસાહતો, બજારો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટોને નુકસાન પહોંચ્યું છે. સલામતી જવાનો સહિત સેંકડો લોકો લાપતા હોવાના અહેવાલ છે.

જોકે, સૌથી મહત્વની રાહતની વાત એ છે કે કૈલાસ-માનસરોવર યાત્રાએ ગયેલા તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે. ભુજના જાણીતા ટૂર ઓપરેટર શૈલેષ માહેશ્વરીના નેતૃત્વ હેઠળનો કૈલાસ-માનસરોવર યાત્રાળુઓનો સમૂહ આ સમયે સુરક્ષિત છે. સંઘમાં ભુજ, અમદાવાદ અને મુંબઈ સહિતના વિસ્તારોના યાત્રાળુઓનો સમાવેશ થાય છે. મોટાભાગના યાત્રાળુઓ કચ્છી હોવાનું જાણવા મળ્યું છે.

યાત્રાળુઓએ ગઈકાલે મંગળવારે સાંજે નેપાળ-ચીન વચ્ચેનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો. તેના આઠેક કલાક બાદ રસુવા જિલ્લાના તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં ફ્રેન્ડશિપ બ્રિજ પણ તણાઈ ગયો હોવાનું જાણવા મળે છે.

ઘટનાની ગંભીરતા જોતા યાત્રાળુઓની સુરક્ષા અંગે સ્વાભાવિક રીતે ચિંતા ફેલાઈ હતી, પરંતુ હાલ તમામ યાત્રાળુઓ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે. શૈલેષભાઈના કહેવા મુજબ તેઓ તેમના નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા છે.

‘ધ કાઠમંડુ પોસ્ટ’ના અહેવાલ મુજબ ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં મોટા પાયે નુકસાન થયું છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂરનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જિલ્લા પ્રશાસને જણાવ્યું છે કે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો અને સંભવિત ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ તથા તિબેટમાં કોઈ ડેમ તૂટ્યો હોવા સહિતના કારણોની તપાસ ચાલી રહી છે.

પૂરના કારણે એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ વહી ગયો હોવાના અહેવાલ છે, જ્યારે ચિલિમે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટોને પણ નુકસાન થયું છે.

તિમુરેનું હેલિપેડ પણ પૂરના પાણીમાં વહી જતાં બચાવ માટે પહોંચેલું હેલિકોપ્ટર ત્યાં ઉતરી શક્યું નહોતું. પ્રશાસને ત્રિશૂલી નદીના કિનારે રહેતા લોકોને તથા નદી નજીકના પ્રોજેક્ટોને સાવચેત રહેવા સૂચના આપી છે.

આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે શૈલેષ માહેશ્વરીના નેતૃત્વ હેઠળના યાત્રાળુઓ સલામત હોવાના સમાચારથી તેમના પરિવારજનો અને સ્નેહીજનોમાં રાહતની લાગણી પ્રસરી છે.

કૈલાસ-માનસરોવર યાત્રાના આ તબક્કે કુદરતી આફત વચ્ચે પણ યાત્રાળુઓની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા બની છે.

Share it on
   

Recent News  
૩૨ મજૂરોને ભરીને નીકળેલી બોલેરોને બલ્કર ટકરાયું: ૭ મોત: ૨૭ ઘાયલઃ મોદી દ્રવી ગયાં
 
૧૪ વર્ષના કિશોર પર કારમાં કુકર્મ આચરનારાં દયાપરના હવસખોર યુવકને ૨૦ વર્ષની જેલ
 
પાકિસ્તાની ખજૂર ઈમ્પોર્ટકાંડમાં ઈન્દોરના પિતા પુત્રોની જામીન અરજી કૉર્ટે ફગાવી