|
કચ્છખબરડૉટકોમ, ગાગોદરઃ રાપરના ગાગોદરમાં એક મહિલાએ પોલીસ સ્ટેશનને ‘માથે લઈને’ ભારે ઉત્પાત મચાવ્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે આ મહિલા અને તેના પતિ વિરુધ્ધ ગુનો દાખલ કરી તેમની અટક કરવા તજવીજ હાથ ધરી છે. કાનમેર ગામ પાસે આવેલી રાયમલ વાંઢમાં રહેતા નાગજી છગનભાઈ કોલી અને તેની પત્ની બાગીબેનનો ગામના એક ખેડૂત સાથે સરકારી પડતર જમીનમાં વાવણી કરવા મુદ્દે વિવાદ ચાલે છે. આ વિવાદમાં બેઉ પક્ષે ગાગોદર પોલીસ સ્ટેશનમાં સામસામી અરજીઓ આપેલી છે. પોલીસે સામાવાળાની અરજી કામે નિવેદન નોંધી અટકાયતી પગલાં માટે નાગજી અને તેની પત્નીને પોલીસ સ્ટેશન બોલાવેલાં. સવારે નિવેદન આપીને યુગલ પરત જતું રહેલું અને સાંજે સવા છ વાગ્યે ફરી પોલીસ સ્ટેશન આવેલું.
પો.સ્ટે.માં બાગીબેનના ‘બાગી તેવર’
પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ આ યુગલે પોલીસ કર્મચારીઓ જોડે બોલાચાલી કરીને ‘તમે લોકો સામાવાળા સામે કોઈ કાર્યવાહી કરતાં નથી અને કેવળ અમારી સામે જ કાર્યવાહી કરો છો’ કહીને ગાળો બોલવા માંડેલા. પોલીસે બેઉને ગાળો ના બોલવા જણાવતાં ઉશ્કેરાઈને આ યુગલ પોલીસ સ્ટેશનના પહેલાં માળે આવેલા ક્રાઈમ રાઈટર હેડના રૂમમાં ગયેલું. ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરીને બાગીબેને ટેબલ પર પડેલું પ્રિન્ટર હાથ વડે જોરથી ધક્કો મારીને નીચે ફેંકી દીધેલું.
ધાબા પર ચઢી ચીમકી ‘નીચે કૂદી પડીશ’
આવેશમાં આવીને બાગીબેન સીડી ચઢીને સીધી પોલીસ સ્ટેશનના ધાબા પર પહોંચી ગયેલી. પોલીસ કર્મચારીઓ તેને અટકાવવા દોડયાં તો બાગી ધાબાની પાળ પર ચઢી જઈને ‘મારી પાસે આવશો તો હું નીચે કૂદી જઈશ’ કહી ધમકી આપવા માંડેલી. તેનો પતિ નીચે પ્રાંગણમાં ઊભો રહેલો.
લેડી કોન્સ્ટેબલને ધક્કો મારી નીચે પટકી દીધી
પોલીસ સ્ટેશનમાં હાજર બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત બાર જણના સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી. છેવટે સૌએ માંડ માંડ સમજાવીને બાગીબેનને પકડી લીધી હતી. હાથ પકડીને બાગીબેનને નીચે લવાઈ રહી હતી ત્યારે તેણે હાથ છોડાવવા માટે બળપ્રયોગ કરીને ૨૫ વર્ષિય મહિલા કોન્સ્ટેબલ ઈન્દિરાબેન ટાંકને સીડી પર ધક્કો મારતાં કોન્સ્ટેબલ નીચે સીડી પર પટકાઈ હતી. પડી જવાથી લેડી કોન્સ્ટેબલને કમર અને હાથમાં ઈજાઓ થતાં સાથી કર્મચારીઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જઈ સારવાર અપાવી હતી.
પ્રિન્ટર તોડી નાખી ૨૦ હજારનું નુકસાન
બાગીએ પ્રિન્ટરને ફેંકી દઈ તોડી નાખતા ૨૦ હજારનું નુકસાન પહોંચ્યું છે. બનાવ બાદ લેડી કોન્સ્ટેબલ ઈન્દિરા ટાંકે બાગીબેન અને તેના પતિ નાગજી વિરુધ્ધ એકસંપ થઈ, ગુનાહિત કાવતરું ઘડીને, પોલીસ સ્ટેશનમાં ગાળાગાળી કરી, હુમલામાં ઘાયલ કરીને સરકારી ફરજમાં રૂકાવટ કરી, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા સબબની કલમો તળે ફરિયાદ નોંધી બેઉની અટક કરવા તજવીજ હાથ ધરી છે. ગાગોદર પીઆઈ એમ.જે. હુણે તપાસ હાથ ધરી છે.
Share it on
|